SURAT

સુરત મેટ્રો બ્રિજના તુટેલા સ્પાન અંગે આવ્યું મોટું અપડેટ, જાણો કેટલાં દિવસમાં ઉતારાશે

સુરતઃ સુરત મેટ્રોના કોરિડોર-2નો ભેંસાણથી સારોલી વચ્ચેના એલિવેટેડ બ્રિજનો તૂટેલો સ્પાન ઉતારવો મુશ્કેલ જણાતા હવે તંત્રએ તે સ્પાનને ઉતારવા માટે પ્લાન બદલ્યો છે. આ સ્પાનને આખો હવે નહીં ઉતારાય. તેના બદલે સ્પાનના ટૂકડાં કરવામાં આવશે. ત્યાર બાદ એક એક ટુકડો નીચે ઉતારવામાં આવશે.

હાલમાં સ્પાનને 3 સેગમેન્ટમાં તોડવામાં આવ્યો છે અને તે પૈકી 35 ટનના એક સેગમેન્ટને ઉતારી લેવાયો છે. આ રીતે એક બાદ એક નુકસાનીવાળા આખાય સ્પાનને ઉતારી લેવાશે. આ કામગીરીમાં 10 દિવસનો સમય લાગશે. આટલો લાંબો સમય ટ્રાફિક રોકી શકાય નહીં તેથી તંત્ર દ્વારા રાત્રિના સમયે સ્પાન ઉતારવાની કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાતે ટ્રાફિક ઓછો હોય ત્યારે સ્પાન ઉતારાશે.

નોંધનીય છે કે ગઈ તા. 30 જુલાઈના રોજ સારોલી નજીકના એલિવેટેડ બ્રિજ પર રાત્રિના સમયે સ્પાન મુકાયો હતો. તે 12 કલાકના ટૂંકા સમયગાળામાં જ તુટી ગયો હતો. બપોરે 1 વાગ્યે સ્પાન તૂટવાની ઘટના બનતા બ્રિજ નીચેથી પસાર થતા લોકો ગભરાયા હતા. તંત્રને જાણ થતા તાત્કાલિક રસ્તો બંધ કરાયો હતો. પાંચ દિવસ સુધી નિરિક્ષણ કરાયું હતું, ત્યાર બાદ સુરક્ષા ધ્યાનમાં રાખી રસ્તો ખુલ્લો કરાયો હતો.

દરમિયાન સેગમેન્ટ ખરાબ થયા હોવાથી બે સેગમેન્ટ કટ કરી સ્પાન ઉતારાશે. જોકે, સ્પાન ડિસ્ટ્રેચ થયા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. તેનો અભ્યાસ કરાયો હતો અને આખરે 13 ઓગસ્ટે એવો નિર્ણ લેવાયો હતો કે આખો સ્પાન ઉતારવામાં આવે. જોકે, આખો સ્પાન કેટલાં સમય, કેટલાં દિવસમાં ઉતારી શકાશે તે નક્કી નહોતું.

ત્યાર બાદ આ સ્પાનમાં આવેલા 11 સેગમેન્ટને ડાયમંડ કટર મશીનથી કટ કરવાનું નક્કી કરાયું. 13 ઓગસ્ટની રાત્રે જ ત્રણ સેગમેન્ટ કટ કરવામાં આવ્યા. હવે આ સ્પાનને આગામી 10 દિવસમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. હાલ 35 ટનનો એક સેગમેન્ટ નીચે ઉતારી લેવાયો છે.

Most Popular

To Top