હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના બે દિવસ બાદ ચંદીગઢ પોલીસે ગત રોજ તા. 9 ઓક્ટોબર ગુરુવારે રાત્રે મોટી કાર્યવાહી કરી છે. મૃતક અધિકારીની સુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામોના આધારે હરિયાણાના DGP શત્રુજીત કપૂર, SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કુલ 14 વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
પોલીસે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (IPC) ની ધારા 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) તથા SC/ST એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી IPS પૂરન કુમારના પરિવારની સતત માંગ બાદ કરવામાં આવી હતી. મૃતકની પત્ની અને હરિયાણાની સિનિયર IAS અધિકારી અમનીત પી. કુમારને IAS લોબીનો પણ ટેકો મળ્યો હતો અને અનેક અધિકારીઓ ગુરુવારે તેમના ઘરે પહોંચી તેમની સાથે એકતા દર્શાવી હતી.
પરિવારનું કહેવું સ્પષ્ટ હતું કે “જ્યાં સુધી તમામ આરોપીઓ વિરુદ્ધ FIR નહીં થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ થવા નહીં દે.” શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે પૂરન કુમારની પુત્રી અમેરિકાથી પરત ફરવાની હોવાથી પોસ્ટમોર્ટમ અટકાવવામાં આવ્યો હતો પરંતુ ગુરુવારે તે ચંદીગઢ પહોંચી ગયા બાદ FIR નોંધાતા જ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ થઈ.
સુસાઇડ નોટમાં ગંભીર આરોપો
તા. 7 ઓક્ટોબરના રોજ પૂરન કુમારે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત પોતાના ઘરે ગોળી મારી આત્મહત્યા કરી હતી. તેમની પાસેથી 8 પાનાની સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે જાતિગત ભેદભાવ, સતત હેરાનગતિ અને તંત્રની ઉદાસીનતાનો ઉલ્લેખ કર્યો હતો. નોટમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તેમને ન્યાય નથી મળ્યો અને વારંવાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવગણના થઈ રહી હતી.
નોટમાં DGP શત્રુજીત કપૂર, SP નરેન્દ્ર બિજારણિયા ઉપરાંત બે પૂર્વ DGP મનોજ યાદવ અને પી.કે. અગ્રવાલ, તેમજ IAS ટી.વી.એસ.એન. પ્રસાદના નામ પણ સામેલ છે.
મુખ્યમંત્રી નાયબ સૈનીએ લીધા મામલાના રિપોર્ટ્સ
આ મામલે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ રસ દાખવ્યો છે. તેમણે એડવોકેટ જનરલ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ચંદીગઢ એરપોર્ટ પર DGP શત્રુજીત કપૂર સાથે સીધી મુલાકાત કરીને સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી હતી.
FIRમાં સમાવિષ્ટ અધિકારીઓની યાદી
શત્રુજીત કપૂર (DGP), અમિતાભ ઢિલ્લોં (ADGP), સંજય કુમાર (ADGP), પંકજ નૈન (IGP), કલા રામચંદ્રન (IPS), સંદીપ ખિરવાર (IPS), સિબાશ કવિરાજ (IPS), મનોજ યાદવ (પૂર્વ DGP), પી.કે. અગ્રવાલ (પૂર્વ DGP), ટી.વી.એસ.એન. પ્રસાદ (IAS), નરેન્દ્ર બિજારણિયા (SP રોહતક), રાજીવ અરોડા (પૂર્વ ACS), કુલિવંદર સિંહ (IG મધુબન) અને માટા રવિ કિરણ (ADGP, કરનાલ રેન્જ).
હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આત્મહત્યાની પાછળના દબાણ અને તંત્રની ભૂમિકા અંગે વિગતવાર તપાસ શરૂ થઈ છે.