World

અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટી રાહત, ટ્રમ્પના જન્મજાત નાગરિકતાના આદેશ પર કોર્ટે રોક લગાવી

અમેરિકામાં રહેતા ભારતીયોને આજે મોટી રાહત મળી છે. વિઝા પર રહેતા અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને હવે અમેરિકા છોડવાનો ડર રહેશે નહીં. સિએટલની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના આદેશ પર અનિશ્ચિત સમય માટે સ્ટે મૂકી દીધો છે. કોર્ટે કહ્યું કે જો સરકાર જન્મજાત નાગરિકતાના કાયદામાં ફેરફાર કરવા માંગતી હોય તો તેણે બંધારણમાં જ સુધારો કરવો પડશે.

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફેનર દ્વારા આ પ્રારંભિક સ્ટે ચુકાદો ટ્રમ્પના વ્યાપક દેશનિકાલ કાર્યવાહી, તેમજ યુએસ કાયદામાં ફેરફારને બીજો મોટો કાનૂની આંચકો છે. આ પહેલા મેરીલેન્ડના એક ન્યાયાધીશે પણ આવો જ ચુકાદો આપ્યો હતો. સીએનએનના અહેવાલ મુજબ ગુરુવારે સિએટલમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશ કોફેનૌરે કડક સ્વરમાં કહ્યું કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા રાષ્ટ્રપતિ માટે કાયદાનું શાસન ફક્ત તેમના નીતિગત લક્ષ્યોમાં અવરોધ છે. તેમના મતે કાયદાનું શાસન એવી વસ્તુ છે જેને રાજકીય કે વ્યક્તિગત લાભ માટે અવગણી શકાય છે.

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે આ કોર્ટમાં અને મારી દેખરેખ હેઠળ કાયદાનું શાસન રહેશે, પછી ભલે કોણ શું કરે. ન્યાયાધીશે વધુમાં કહ્યું કે બંધારણ એવી વસ્તુ નથી કે જેની સાથે સરકાર નીતિગત રમતો રમી શકે. ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશની ટીકા કરતા સિએટલ કોર્ટે કહ્યું કે ટ્રમ્પ બંધારણ સાથે “નીતિગત રમત” રમવા માટે કાનૂની નિયમને બાયપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

20 જાન્યુઆરીએ બીજા કાર્યકાળ માટે પદ સંભાળ્યાના થોડા સમય પછી ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશ અમેરિકાની ધરતી પર જન્મેલા એવા બાળકોને અમેરિકાની નાગરિકતા આપવાનો ઇનકાર કરે છે જેમના માતાપિતા અમેરિકાના કાયમી રહેવાસી નથી. આ આદેશથી અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જેઓ H-1B (વર્ક વિઝા), L (ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર), H-4 (આશ્રિત વિઝા) અને F (વિદ્યાર્થી વિઝા) જેવા કામચલાઉ વિઝા પર છે. ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કામચલાઉ વિઝા પર માતા-પિતાને જન્મેલા બાળકોને નાગરિકતા મળશે નહીં સિવાય કે માતાપિતામાંથી એક યુએસ નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક હોય.

Most Popular

To Top