SURAT

પુણા બાદ રેલવે ગરનાળા પાસે ભુવો પડ્યો, આપના કાર્યકરોએ ભુવામાં ભાજપના ઝંડા લગાવ્યા

સુરત: શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઠેરઠેર ભુવા પડવા લાગ્યા છે. રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળા નજીક એક મસમોટો ભુવો પડ્યો છે, જેના લીધે ગરનાળાનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવો પડયો હતો. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા આ અતિવ્યસ્ત માર્ગ પર પોલીસે બેરિકેડ મુકી દીધા હતા, જેના લીધે અહીં ટ્રાફિક વકર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ પર ભુવો પડી ગયો હતો. જેને પગલે અતિવ્યસ્ત માર્ગ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. ખાંડ બજાર એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભુવો પડતાની સાથે બુધવારે સાંજથી રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે.

વરાછા તરફથી સુરત સ્ટેશન તરફ આવવાનો આ ખૂબ વ્યસ્ત ગરનાળુ છે. રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે. જેના વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ નંબર પોદ્દાર આર્કેડથી જે.બી.ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે.

વૈશાલી ચાર રસ્તાથી ઉમિયાધામ સર્કલ થઈ ભવાની સર્કલથી ડાબે અલકાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે. હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ફરીથી ગરનાળાનો ભાગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.

આપ પાર્ટીએ ભુવાના ખાડામાં ભાજપનો ઝંડો લગાવ્યો
સુરતમાં રસ્તા પર પડતાં ભુવાના વિરોધ કરવામાં કોંગ્રેસે ભાજપનો ઝંડો ભુવામાં રોપીને વિરોધ કર્યો હતો. ત્યારે આજે આપ દ્વારા પણ એ જ રીતે વિરોધ કરાયો હતો. સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે પડ્યો ભૂવો હતો. આખે આખી કાર અંદર ઘુસી જાય તો પણ જગ્યા વધે એટલો મોટો ભુવો પડ્યો હતો.

પાલિકા કામગીરી કરે તે પહેલાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને આડશ મુકી દીધી હતી. હવે લોકો ભુવા થી એટલા બધા કંટાળી ગયા છે કે આ વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ પડેલા ભુવામાં ભાજપના ઝંડા મુકીને આ ભુવા ભાજપના ભ્રષ્ટાચારના ભુવા છે તેવો આક્ષેપ કરી દીધો છે.

કોંગ્રેસના નેતાઓના આ વિરોધ બાદ તેની કોપી આપના કોર્પોરેટરે કરી છે. આજે વરાછા ઝોનના મમતા પાર્કથી રચના સર્કલ સુધી કાપોદ્રા વિસ્તારમાં ખાડા પડ્યા છે તેનો વિરોધ આપના કોર્પોરેટર સેજલ માલવીયાએ ભાજપના ઝંડા લગાવી કર્યો છે. આપના કોર્પોરેટરે આ ખાડા પર ઝંડા લગાવીને 30 વર્ષના ભાજપના વિકાસના ખાડા છે તેવો આક્ષેપ કર્યો છે.

Most Popular

To Top