Business

તંદુરસ્ત હરીફાઈની મોટી લીટીઓ: લતા, આશા અને ઓ. પી. નૈયર

હરીફાઈ એટલે સરખામણી. સરખામણીની વાત આવે એટલે બે જગ્યા અથવા બે પરિસ્થિતિ અથવા બે પોઝિશનની વાત આવે. એ પોઝિશનની સરખામણી કેવી રીતે થાય છે તેના પરથી હરીફાઈની ગુણવત્તા નક્કી થાય. હરીફાઈ બે રીતે જીતાય; એક, તમારી પોઝિશનને મજબૂત કરીને અને બે, બીજાની પોઝિશનને કમજોર કરીને. બીજા પ્રકારની હરીફાઈ સામાન્ય રીતે ધંધામાં કે યુદ્ધમાં જોવા મળે છે. તેમાં પોતાનું સ્થાન તો મજબૂત કરવાનું હોય છે, સાથે હરીફનું સ્થાન કમજોર કરવાના પેંતરા પણ કરવાના હોય છે. એટલા માટે ધંધા કે યુદ્ધમાં તંદુરસ્ત હરીફાઈ જેવું કશું હોતું નથી.

આમ જીવનમાં તંદુરસ્ત હરીફાઈ એને કહેવાય જ્યાં બીજાને નુકસાન પહોંચાડ્યા વગર પોતાની લીટી મોટી કરવામાં આવે. લતા મંગેશકર પર એક આરોપ બહુ લાગતો રહ્યો છે કે તેમણે પાર્શ્વગાયનમાં ઈજારાશાહી સ્થાપિત કરી હતી અને હરીફાઈ ખતમ કરી નાખી હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં તેનો ઇનકાર કર્યો હતો. તેમની દલીલ હતી કે હું એટલું બધું કામ કરતી હતી કે મારે ફિલ્મો છોડવી પડતી હતી તો પછી બીજા કોઈને ગીત ગાવા ના મળે એવા મેં પ્રયાસો કર્યા હતા એ આરોપ કેવી રીતે વ્યાજબી ગણાય?

એ વાત સાચી કે પાર્શ્વગાયનમાં ઘણી હરીફાઈ હતી અને લતા દીદીની ડિમાન્ડ પણ એટલી જબરદસ્ત હતી કે બીજી ગાયિકાઓનો કોઈ ‘ભાવ’ પૂછતું નહોતું. એ પણ સાચું કે તેમની સામે તેમની બહેન આશા ભોંસલેની હરીફાઈ હતી પરંતુ એમાં એટલો તંદુરસ્ત ભાવ હતો કે આશા વધુ ઉત્તમ રીતે નીખરી હતી. ૧૯૪૨માં, ૧૩ વર્ષની ઉંમરે એક મરાઠી ફિલ્મ માટે પહેલું ગીત ગાઈને ફિલ્મોમાં પાર્શ્વગાયનની કારકિર્દી શરૂ કરનાર લતા મંગેશકર કદાચ એક માત્ર ગાયિકા છે, જેમણે ૩૦ હજાર ગીતોની અવિસ્મરણીય યાત્રામાં કદાચ તમામ ટોચના નામી-અનામી સંગીતકારો સાથે કામ કર્યું છે, સિવાય એક; ઓમકાર પ્રસાદ નૈયર ઉર્ફે ઓ.પી. નૈયર.

કેવી કરૂણતા કહેવાય કે બે દાયકાની સંગીતમય સફરમાં ઓ.પી. નૈયરને યાદ રાખવાનું કારણ તેમણે કર્ણપ્રિય સંગીત આપ્યું એ નહીં પણ લતા પાસે એક પણ ગીત ન ગવડાવ્યું તે છે! કળા સર્જનના ક્ષેત્રમાં જયારે તંદુરસ્ત હરીફાઈ હોય ત્યારે નુકસાન ઓછું અને ફાયદો વધુ થતો હોય છે. લતા દીદીના અવાજ સામે વાંધો હોય (લતાજીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે નૈયર સા’બના સંગીત માટે તેમનો અવાજ યોગ્ય નહોતો) કે પછી તેમની કથિત ઈજારાશાહી સામેનો વિરોધ, ઓ. પી. નૈયરે લતાની સામે દીદી આશા ભોંસલેને ઊભી કરી દીધી, એમાં હિન્દી ફિલ્મ સંગીતના ચાહકોને એક નહીં, બે મંગેશકર રતન મળ્યાં!

ઓ.પી. નૈયર અઘરા અને આકરા બંને. પોતાનું ધાર્યું કરવાની એમની જીદ એવી કે આશા ભોંસલેને (જે નવી-સવી હતી) એવી ગાતી કરી કે સૂરનો એ સાથ 324 ગીતો સુધી ચાલ્યો. એ જીદ લતા મંગેશકરને એવી નડી ગઇ કે નૈયરે લતા પાસે એક પણ ગીત ન ગવડાવ્યું. ઘણી વખત માણસની ખ્યાતિ કરતાં કુખ્યાતિ આગળ જીવતી હોય છે. લતાને નારાજ કરીને ગાવાનું તો ઠીક, હિન્દી સિનેમામાં રહેવાનીય કોઇ કલ્પના ના કરી શકે ત્યારે નૈયર એક ગીતની અધવચ્ચેથી લતાથી એવા છૂટા પડ્યા કે તાઉમ્ર ભેગાં ન થયાં. આ હિંમત એવી ગાજી કે આજેય ઓ. પી. નૈયરનો પરિચય ‘લતા મંગેશકર પાસે એક પણ ગીત ન ગવડાવનાર’ તરીકે અપાય છે.

એક્ઝેટલી બંને વચ્ચે શું થયું હતું એ કોઇને ખબર નથી પરંતુ નૈયરની કુખ્યાત જીદનું લતા મંગેશકર એક ઉદાહરણ છે. એક ગપસપ એવી છે કે નવાસવા નૈયર ગીતની ઓફર લઇને સુપરડુપર વ્યસ્ત લતા પાસે ગયા હતા ત્યારે લતાએ એમને બહુ રાહ જોવડાવી હતી, એમાં નૈયરનો પિત્તો ગયેલો. આ શક્ય છે.

નૈયર સમય અને શિસ્તના જબરા દુરાગ્રહી હતા. 1958માં આવેલી ‘રાગિણી’ ફિલ્મના ગીત ‘મન મોરા બાવરા, નીસ દીન ગાયે ગીત મિલન કે’ના રેકોર્ડિંગમાં કિશોરકુમારે ક્યાંક ગરબડ કરી તો નૈયરે, કિશોરે હાથ જોડ્યા તોય, ફટાક દઇને મહંમદ રફી પાસે એ ગીત ગવડાવ્યું. 1968માં ‘હમસાયા’ ફિલ્મના ગીતના રેકોર્ડિંગમાં આ રફી મોડા પડ્યા તો નૈયરે મહેન્દ્ર કપૂરને ગાયક બનાવી દીધા. એક વાર દેવ આનંદે પહોંચવામાં પણ પાંચ મિનિટ મોડું કર્યું તો નૈયરે ચાલતી પકડી હતી.

બીજું કારણ લતાનો અવાજ. 2007માં એક ઇન્ટરવ્યૂમાં નૈયરે કહ્યું હતું કે મારા જેવા પંજાબી સંગીતકાર માટે લતાનો અવાજ પાતળો અને મીઠો (નોન-સેક્સી, એમ વાંચો) હતો. પછી એ જ શ્વાસમાં નૈયર કહે છે, “કમ્પોઝ કરવા માટે મને પ્રેરણા જોઇએ. હું તાલીમબદ્ધ સંગીતકાર નથી. મારા સંગીતની પ્રેરણા સ્ત્રીઓ રહી છે. જે ગાયિકાઓ મારા માટે ગાતી હતી એમનામાંથી મને પ્રેરણા મળતી હતી. એ તમામને મારામાં આકર્ષણ હતું. મારા ટાઇમમાં હું ઊંચો, ગોરો અને પંજાબી દેખાવડો હતો. ગીતા દત્તને તો એમ લાગતું હતું કે મારા (ગુલાબી) ગાલ પર હું રુઝ લગાવતો હતો.”

ફિલ્મ વિવેચક રાજુ ભારતન આશા ભોંસલેના જીવનચરિત્ર્યમાં લખે છે કે, “નૈયરે ચાર વર્ષમાં આશાને લતાની બરાબર કરી દેવાનો પડકાર ફેંક્યો હતો. નૈયરે આશાને એવો આત્મવિશ્વાસ અપાવ્યો હતો કે નીચા સૂરમાં તે કમાલનું ગાય છે અને તેનાથી તેને લતા કરતાં આગવી પહેચાન મળશે. તમને જો ‘ઉમરાવજાન’માં ખૈયામની ગઝલો યાદ હોય અથવા ‘ઈજાજત’માં આર. ડી.નું ‘મેરા કુછ સામાન’ યાદ હોય,  તો તેમાં આશાના નીચા સૂરનો જાદુ છે. કહેવાય છે કે લતાની તાકાત ઊંચા સૂરમાં હતી અને નૈયર સા’બે તેનો લાભ લઈને નીચા સૂરમાં આશાની લીટી મોટી કરી આપી હતી.

રાજુ ભારતન નૈયર-લતાના ટકરાવનું કારણ બીજું આપે છે. ૧૯૫૪માં, કે. અમરનાથની ફિલ્મ ‘મહેબૂબા’ માટે સંગીતકાર રોશને લતાના અવાજમાં ચાર ગીતો રેકોર્ડ કર્યાં હતાં. હિન્દી ફિલ્મ સંગીતમાં નૈયરે ત્યારે ધમાકાભેર એન્ટ્રી મારી હતી અને તેમની ડિમાન્ડ શરૂ થઇ હતી. ‘મહેબૂબા’માં અચાનક રોશનને પડતા મૂકીને નૈયરને લેવામાં આવ્યા. લતાને એ ખરાબ લાગ્યું અને તેમણે કહ્યું કે હું નૈયર માટે નહીં ગાઉં. રાજુ ભારતન લખે છે- ‘નૈયરે વળતું ચોપડાવ્યું પણ મેડમ, તમને કોણે કહ્યું કે હું તમારી પાસે ગવડાવીશ?’

ત્યારથી નૈયરે નક્કી કર્યું કે હિરોઈનો સિવાયનાં ગીતો ગાતી ‘બે નંબરની’ આશા ભોંસલેને લતાની ટક્કર લેવા તૈયાર કરશે. ચાર જ વર્ષ પછી, ૧૯૫૭માં દિલીપ કુમાર-વૈજયંતીમાલાની ‘નયા દૌર’ આવી અને આશાનો સિક્કો બેસી ગયો. નૈયર સા’બને જે એક માત્ર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો તે આ ફિલ્મ માટે. નૈયરે એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “આશા પાસે સૂરની જે ક્ષમતાઓ હતી તે લતા કે શમશાદ બેગમ પાસે પણ નહોતી. મેં મારું શ્રેષ્ઠ કમ્પોઝિશન આશા માટે આપ્યું હતું અને આશાએ તેનું શ્રેષ્ઠ ગાયન મારા માટે આપ્યું હતું.’’

Most Popular

To Top