પટનાઃ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. સીએમ પટનાના બારહ વિસ્તારમાં બે સરકારી ઇમારતોનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તેમનો કાફલો રવાના થવાનો હતો ત્યારે જ કાર્યક્રમના સ્થળે રોડ કિનારે બનાવેલો ગેટ પવનના કારણે પડી ગયો હતો.
નીતીશ કુમાર બારહના બેલછી બ્લોકમાં નવનિર્મિત બ્લોક અને પોલીસ સ્ટેશન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. બંને ભવનોનું ઉદ્ઘાટન કર્યા બાદ જ્યારે મુખ્યમંત્રીનો કાફલો રવાના થવાનો હતો ત્યારે પવનના સુસવાટાના કારણે રસ્તાના કિનારે બનાવેલ સ્વાગત ગેટ ધરાશાયી થયો હતો. આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ખામી ગણાવવામાં આવી રહી છે.
જોકે, ઘટનાસ્થળે હાજર લોકો અને સુરક્ષાકર્મીઓએ તરત જ કપડાથી બનેલો ગેટ સીધો કર્યો. જે બાદ મુખ્યમંત્રીની ગાડી અને કાફલો ત્યાંથી સલામત રીતે મોકામા તરફ રવાના થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
CMનો કાફલો સ્વાગત ગેટ પાસે થંભી ગયો
વીડિયોમાં જોવા મળે છે કે સીએમ નીતીશનો કાફલો જેવો જ સ્થળ છોડવા માટે સ્વાગત ગેટ પર પહોંચ્યો કે ત્યાં લગાવેલ ગેટ તૂટી પડ્યો. જેના કારણે સીએમનો કાફલો થોડો સમય થંભી ગયો હતો. જો કે, ત્યાં હાજર જેડીયુ કાર્યકર્તાઓ અને સુરક્ષાકર્મીઓએ તરત જ ગેટ સીધો કર્યો અને કાફલો ત્યાંથી નીકળી શક્યો.