નવી દિલ્હી: બાંગ્લાદેશની (Bangladesh) મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભારત વિરોધી અભિયાન વચ્ચે શેખ હસીના (Sheikh Hasina) સરકારે મોટો નિર્ણય લીધો છે. હસીના સરકારની આર્થિક બાબતોનું ધ્યાન રાખતી કેબિનેટ સમિતિએ બુધવારે વાણિજ્ય મંત્રાલયના (Ministry of Commerce) પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમજ આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અબુલ હસન અલીએ કરી હતી.
હાલ બાંગ્લાદેશમાં શરુ થયેલ બોયકોટ ઇન્ડિયાની અપીલ વચ્ચે હસીના સરકારે ભારતમાંથી 50 હજાર ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. શેખ હસીના સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું બની જાય છે. કારણ કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગી દળોના નેતાઓ ત્યાં ભારતના પ્રભાવને ખતમ કરવા માટે ‘ઈન્ડિયા આઉટ કેમ્પેઈન’ ચલાવી રહ્યા છે. આ અંતર્ગત તેઓ બાંગ્લાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. તાજેતરમાં BNP નેતા રૂહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી.
જે બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વિપક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે શું તેઓ ભારતીય મસાલા વગરનું ભોજન ખાઈ શકશે? શેખ હસીનાએ એમ પણ કહ્યું કે જ્યારે તેઓ (વિરોધી પક્ષના નેતાઓ) તેમની પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીઓની ભારતીય સાડીઓ બાળશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે ખરેખર પ્રતિબદ્ધ છે.
બાંગ્લાદેશની ન્યૂઝ વેબસાઈટ અનુસાર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ, વાણિજ્ય મંત્રાલયની સરકારી સંસ્થા, ભારતની નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ પાસેથી જી-ટુ-જી ધોરણે ડુંગળીની આયાત કરશે. જો કે ડુંગળીના ભાવ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કેબિનેટ વિભાગના અધિક સચિવનું કહેવું છે કે ભારતમાંથી ડુંગળીની આયાતને મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવ કેબિનેટ કમિટીને મોકલવામાં આવશે. તે સમયે ડુંગળીના ભાવ જાહેર થઈ શકે છે.
પ્રતિબંધ છતાં ભારત બાંગ્લાદેશને ડુંગળીની નિકાસ કરશે
ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બાંગ્લાદેશ અને UAEને રાહત આપતા રમઝાન અને ઈદ પહેલા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. તેમજ બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓ ભારત પર આરોપ લગાવે છે કે ભારત શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશ અવામી લીગને સમર્થન આપે છે. બાંગ્લાદેશના લોકોને નહીં. તેથી જ બાંગ્લાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવી રહ્યા છે.