ગાંધીનગર: મે મહિનાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે રાજ્યના હવામાન ખાતા તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. આગામી એક અઠવાડિયું એટલે કે 7 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાતાવરણમાં પલટો કેમ આવ્યો?
સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના લીધે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં અનેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ વરસશે. તે ઉપરાંત 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 14મીના રોજ થંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.
કયાં ક્યારે વરસશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ તા. 11 મેના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ તેમજ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે. 12મીએ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી, દમણ તેમજ છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ અને આણંદમાં જ્યારે તા. 13મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદાર અને નગર-હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત તા. 14મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ,મહીસાગરમાં તો તા. 15મીએ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં અને તા. 16મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.
ઝડપી પવન અને વરસાદના લીધે તાપમાનનો પારો ઘટશે
હાલમાં મે મહિનાની ગરમીથી લોકો ત્રસ્ત છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં પારો 40 ડિગ્રીથી વધુ છે. અમદાવાદ અને કચ્છમાં પારો 42 ડિગ્રીથી પણ વધુ છે. જોકે, વાતાવરણમાં પલટો આવવા સાથે ઝડપી પવન ફૂંકાવા તેમજ વરસાદ પડવાના લીધે રાજ્યમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે.