દક્ષિણ આફ્રિકા સામે પહેલી ટેસ્ટમાં હાર પછી પછી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી છે. હવે કેપ્ટન શુભમન ગિલની ઈજાના કારણે તેઓ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે તેવી ચર્ચા તેજ બની છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે ખરાબ રહી હતી. પહેલી મેચમાં પરાજય બાદ હવે ટીમને બીજો મોટો ઝટકો કેપ્ટન શુભમન ગિલની ઈજાના રૂપે મળી શકે છે. પહેલી ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં ખેંચ આવતા શનિવારે કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હત. જોકે જ્યાંથી તેમને રવિવારે સાંજે રજા આપવામાં આવી હતી. અને બીજી ઇનિંગમાં બેટિંગ કરવા પણ ઉતર્યા નહોતા. હવે તા. 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટ માટે તેઓ રમશે કે નહીં તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
હાલ BCCIએ ગિલની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી પરંતુ ટીમના અંદરના સૂત્રો અનુસાર તેમની સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. ટીમ ગુવાહાટીમાં જવું એ પહેલા ગિલની ફિટનેસ ચકાસવામાં આવશે. જો તેઓ મેચ માટે તૈયાર ન હોય તો તેમને આરામ આપવામાં આવી શકે છે.
કેપ્ટનશીપની વાત કરીએ તો સીરિઝ માટે ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જો ગિલ આ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થાય છે તો આવી સ્થિતિમાં કેપ્ટન તરીકે પંતને જવાબદારી સોંપવામાં આવશે તેવી પૂરી શક્યતા છે. સામાન્ય રીતે ઉપ-કેપ્ટનને જ કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની પરંપરા હોવાથી પંતનો વિકલ્પ સૌથી મજબૂત છે.
હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ગિલનું સ્થાન કોણ લેશે? પહેલી ટેસ્ટમાં સાઈ સુદર્શનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેમની ક્ષમતાથી વાકેફ છે. ગિલની ગેરહાજરીમાં સાઈ સુદર્શનને તકો મળવાની શક્યતા છે. બીજી તરફ દેવદત્ત પડિકલ પણ એક સારો વિકલ્પ છે. આ બંને યુવા બેટ્સમેનોએ ક્રિકેટમાં તેમનું મજબૂત પ્રદર્શન આપ્યું છે. અંતિમ નિર્ણય ગુવાહાટી પિચની પરિસ્થિતિ અને ટીમ કોમ્બિનેશન પર નિર્ભર રહેશે.
વોશિંગ્ટન સુંદરને પહેલી ટેસ્ટમાં ત્રીજા નંબરે મોકલવામાં આવ્યા હતા પરંતુ આગામી મેચમાં તેમને જાળવી રાખવામાં આવશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. બોજો ટેસ્ટ સીરીઝમાં સુદર્શન અથવા પડિકલમાં કોઈ એકને તક મળે એવી શકયતા છે.
હાલમાં ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલની ઈજાના આખરી રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. તેમની ઉપલબ્ધતા પર જ ટીમનો અને નેતૃત્વ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.