World

માલદીવને ફટકો! PM મોદીના અપમાન બાદ ભારતીયો દ્વારા 10,000 હોટેલ બુકિંગ અને 5000 ફ્લાઈટ્સ કેન્સલ

નવી દિલ્હી: માલદીવના (Maldives) મંત્રીઓએ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભારત (India) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો તોફાનની જેમ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયાથી (Social Media) લઈને ઓનલાઈન બુકિંગ (Online Booking) પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ ગુસ્સાની લહેર વધી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 10,500 હોટેલ બુકિંગ (Hotel Bookings) અને 5,520 પ્લેનની ટિકિટો (Flights) કેન્સલ (Cancel) કરવામાં આવી છે.

આ આંકડા માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ‘ઈન્ડિયા આઉટ’ નામનું અભિયાન શરૂ કર્યું હતું, જેનો હેતુ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરી સામે વિરોધ કરવાનો હતો. જો કે, આ અભિયાનને ભારત અને ભારતીયોના મોટા વર્ગ દ્વારા નકારાત્મક રીતે લેવામાં આવ્યું હતું.

માલદીવના નેતાઓ દ્વારા ભારત વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને કારણે લોકોએ તેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. હજારો હોટેલ બુકિંગ અને ફ્લાઇટ ટિકિટો કેન્સલ થવાની પણ વાત છે, જેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. માલદીવે ત્રણ મંત્રીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે જેના કારણે આ વિવાદ શરૂ થયો હતો.

એક અહેવાલ મુજબ, જે રીતે બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે તે જોતા ભારતના ટૂર ઓપરેટરો માલદીવમાં રજાઓ રદ કરવાની અસર માટે તૈયારી કરી રહ્યા છે. તે કહે છે કે આ ટાપુ દેશની મુલાકાત લેવા માટે લોકોની કોઈ નવી પૂછપરછ આવી રહી નથી. ‘ઇન્ડિયન એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સ’એ અનુમાન લગાવ્યું છે કે તાજેતરની ઘટનાઓ અને બહિષ્કારની અસર આગામી 20 થી 25 દિવસમાં દેખાશે.

તેમજ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માલદીવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણી બાદ હજારો હોટેલ બુકિંગ અને ફ્લાઈટ ટિકિટો રદ કરવામાં આવી છે. અલગ-અલગ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીયોએ માલદીવમાં 10000થી વધુ હોટલ બુકિંગ અને 5000 ફ્લાઈટ ટિકિટો કેન્સલ કરી છે. જો કે અત્યાર સુધી આ આંકડાઓને લઇને કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ભારતીય પ્રવાસીઓનો આ બહિષ્કાર માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે. માલદીવની અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો હિસ્સો પ્રવાસન પર નિર્ભર છે અને આવનારા સમયમાં તેની કેટલી અસર થશે તે જોવું રહ્યું.

Most Popular

To Top