બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે અને બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત તેના આદેશમાં કરવામાં આવેલા અવલોકનોને કાઢી નાખવાનો ઇનકાર કર્યો છે.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બિલ્કીસ બાનો કેસના દોષિતોની મુક્તિ સમયે ગુજરાત સરકાર વિશે કોર્ટે કરેલી ટિપ્પણીઓને દૂર કરવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને ફગાવી દેવાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે અયોગ્ય ગણાવેલા અમુક અવલોકનોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત સરકારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કઠોર ટિપ્પણી કરી હતી કે ગુજરાતે ‘મેળાપીપણામાં કામ કર્યું અને ગુનેગારો સાથે સાઠગાંઠ કરી’. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટની આ ટિપ્પણી માત્ર અયોગ્ય જ નથી પરંતુ ગુજરાત સરકાર સામે પૂર્વગ્રહયુક્ત પણ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?
8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર તેની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને 2002ના રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો અને ગુનેગારોને બે અઠવાડિયામાં જેલમાં મોકલી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથના અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે કહ્યું હતું કે ગુજરાત સરકારનો સજા માફ કરવાનો આદેશ યોગ્ય વિચારણા કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને પૂછ્યું હતું કે શું “મહિલાઓ વિરુદ્ધના જઘન્ય અપરાધોના કેસોમાં સજાની માફી માન્ય છે”, પછી ભલે તે મહિલા કોઈપણ ધર્મને અનુસરતી હોય. બેન્ચે કહ્યું હતું કે, “અમે ગુજરાત સરકાર દ્વારા સત્તાના દુરુપયોગના આધાર પર સજા માફીના આદેશને રદ્ કરીએ છીએ.”