દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીથી પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મતિન અહેમદ રવિવારે 10 નવેમ્બર રોજ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. મતિન અહેમદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. દિલ્હી ચૂંટણી પહેલા મતીન અહેમદનું આપમાં જોડાવું કોંગ્રેસમાં મોટી ખોટ માનવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ મતીનના ઘરે ગયા અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ ખુદ મતીનના ઘરે આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થયું કે આગામી વિધાનસભાની ટિકિટ તેમના પરિવાર માટે કન્ફર્મ થઈ ગઈ છે.
મતિન અહેમદ 1993 થી 2015 વચ્ચે પાંચ વખત સીલમપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ દિલ્હી જલ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે શીલા દીક્ષિત સીએમ હતા ત્યારે તેમને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં મુસ્લિમ મતદારોનો પ્રભાવ ધરાવતા લગભગ દસ વિધાનસભા મતવિસ્તારોમાં તેમની પકડ સારી માનવામાં આવે છે.
દિવાળીના અવસર પર મતિન અહેમદના પુત્ર અને કોંગ્રેસના બાબરપુર જિલ્લા અધ્યક્ષ ચૌધરી ઝુબેર તેમજ ચૌહાણ બાંગરથી કોંગ્રેસ કાઉન્સિલર શગુફ્તા ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
કોણ છે મતીન અહેમદ?
મતિન અહેમદ પહેલીવાર જનતા દળની ટિકિટ પર 1993માં દિલ્હીના સીલમપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ભાજપના જય કિશન દાસ ગુપ્તાને 1,438 મતોથી હરાવ્યા હતા. 1996માં તેઓ જનતા દળ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. 1998ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ભાજપને 16,375 મતોથી હરાવ્યું હતું. વર્ષ 2003 અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ત્રીજી અને ચોથી વખત દિલ્હી વિધાનસભામાં ચૂંટાયા હતા.