National

હરિયાણામાં ભાજપને મોટો ઝટકો, આ નેતા કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. સવાર સુધી ભાજપ માટે જે નેતા વોટ માંગી રહ્યાં હતાં તે નેતા અચાનક બપોરે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢના ગામ બવાનિયામાં કોંગ્રેસમાં સામેલ થયા છે. રાહુલ ગાંધીએ પાર્ટીનો ખેસ પહેરાવી તંવરનું સ્વાગત કર્યું હતું.

અશોક તંવર હરિયાણાના હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. અશોક તંવરે 5 ઓક્ટોબર 2019માં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ છોડી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ AAP હરિયાણા ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ હતા.

થોડા સમયમાં તંવરે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી હતી. AAPના રાજીનામા પાછળનું કારણ કોંગ્રેસ-આપના ગઠબંધનને ગણાવ્યું હતું. ત્યાર બાદ તેઓ જાન્યુઆરી 2024માં ભાજપમાં જોડાયા હતા. ભાજપે લોકસભા ચૂંટણીમાં સિરસાથી ટિકિટ આપી હતી. જોકે, તંવર ચૂંટણી હારી ગયા હતા.

અશોક તંવર વર્ષ 2022માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં સામેલ થયા હતા. આ પહેલા તે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં હતા. TMC પહેલા તે કોંગ્રેસમાં હતા. એક સમયે અશોક તંવરની ગણના રાહુલ ગાંધીની નજીકના લોકોમાં થતી હતી.

રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2014માં હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. કોંગ્રેસમાં તે રાષ્ટ્રીય સચિવ અને યૂથ કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્યા છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે વિવાદ બાદ 2019માં વિધાનસભા ચૂંટણી પહેલા અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. તે વર્ષ 2009થી 2014 સુધી સિરસાના સાંસદ પણ રહી ચુક્યા છે.

Most Popular

To Top