અમેરિકી પ્રમુખ જો બાઇડન તથા ટોચના અમેરિકી અધિકારીઓ તાલિબાનોએ જે ઝડપથી આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું તેનાથી ડઘાઇ ગયા છે અને અમેરિકાના દળોની પાછી ખેંચવાની પ્રક્રિયા હવે અમેરિકનોને સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયામાં પલટાઇ ગઇ છે.
અફઘાનિસ્તાનની સરકારનું જે ઝડપે પતન થયું અને તેને પગલે જે અંધાધૂંધી સર્જાઇ તેને કારણે કમાન્ડર ઇન ચીફ એેવા બાઇડનના માટે સૌથી ગંભીર કસોટી સર્જાઇ છે અને તેઓ રિપબ્લિકનોની ટીકાઓનો ભોગ બની રહ્યા છે જેઓ કહે છે કે પ્રમુખ નિષ્ફળ ગયા છે.
બાઇડને ચૂંટણી પ્રચારમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પીઢ નિષ્ણાત તરીકે પ્રચાર કર્યો હતો અને તાલિબાનો ફરી આવી શકે છે તે બાબતની અવગણના કર્યે રાખી હતી અને દલીલ કરી હતી કે તમામ રાજકીય ખયાલોવાળા અમેરિકનો ૨૦ વર્ષથી ચાલતા યુદ્ધથી થાકી ગયા છે, જે યુદ્ધે કોઇ સમાજ, કે જે સ્વીકારવા તૈયાર ન હોય તેના પર પશ્ચિમી સ્ટાઇલની લોકશાહી લાદવામાં નાણા અને લશ્કરની શક્તિની મર્યાદા ખુલ્લી પાડી દીધી હતી.
એ ચોક્કસ બાબત છે કે અફઘાન શહેરો જે રીતે તાલિબાનોના હાથમાં ગયા તેની કોઇએ ધારણા કરી ન હતી. અમે અફઘાન સૈનિકોને શ્રેષ્ઠ સાધનો અને શ્રેષ્ઠ તાલીમ આપી પણ તાલિબાનો સામે લડવાની ઇચ્છા શક્તિ તેમને આપી ન શક્યા એમ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાને કહ્યું હતું.