અમેરિકાનું બાઇડન પ્રશાસન અમેરિકાના શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ, સાંસદો અને પીઢ ભારતીય-અમેરિકનો તરફથી ભારતને એસ્ટ્રાઝેનેકા તથા અન્ય કોવિડ-૧૯ રસીઓની સાથે અન્ય ઘણો જીવન રક્ષક પુરવઠો મોકલવા માટેના દબાણ હેઠળ છે, જે ભારત કોરોનાવાયરસના કેસોમાં ઘાતક ઉછાળો જોઇ રહ્યું છે.
અમેરિકાની ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ મિરોન બ્રિલિયન્ટે જણાવ્યું હતું કે જ્યારે વિશ્વના અનેક દેશોને કોવિડનો રોગચાળો ભારે અસર કરી રહ્યો છે ત્યારે ભારત, બ્રાઝિલ તથા અન્ય સખત અસર પામેલા દેશોને એસ્ટ્રાઝેનેકા વેક્સિનના લાખો ડોઝ મોકલવા યુએસ ચેમ્બર્સ મજબૂત ભલામણ કરે છે.
સાંસદ રશીદા તાલીબે ટ્વીટર પર લખ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ની કટોકટી એ વાતની યાદ અપાવે છે કે જયાં સુધી આખું વિશ્વ સલામત નહીં થાય ત્યાં સુધી આ રોગચાળો પુરો થયો નથી. રસીના વૈશ્વિક ઉત્પાદનને વેગ આપવા પ્રમુખ બાઇડને રસીની પેટન્ટ જતી કરવી જ જોઇએ તેમ તેમણે કહ્યું હતું. બાઇડનના ચૂંટણી પ્રચારક શેખખ નરસિંહને પણ અમેરિકી પ્રમુખને આ બાબતે ભારતીય વડાપ્રધાન સાથે વાત કરવા વિનંતી કરી છે.
દરમ્યાન, આ દબાણ પછી અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકા દેશની હાલની કોવિડ-૧૯ કટોકટી સંદર્ભમાં ભારત સાથે ગાઢ સહકારથી કામ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતના લોકો પ્રત્યે ઉંડાણપૂર્વકની સહાનુભૂતિ વ્યક્ત કરે છે. અમે ભારતના અધિકારીઓ સાથે રાજકીય અને નિષ્ણાત એમ બંને સ્તરે આ કટોકટીને ઉકેલવામાં મદદ કરવા માટે નિકટથી કામ કરી રહ્યા છીએ એ મુજબ તેમણે જણાવ્યું હતું.