અમેરિકી પ્રમુખ જો બિડેને અમેરિકા દ્વારા આયોજીત આવતા મહિને યોજાનારી હવામાન અંગેની વર્ચ્યુઅલ શિખર પરિષદમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના ૪૦ નેતાઓને આમંત્રણ આપ્યું છે જેમાં મજબૂત હવામાન પગલાઓની અગત્યતા અને તેના આર્થિક લાભો અંગે ચર્ચા થશે એ મુજબ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે.
બાવીસમી એપ્રિલના અર્થ ડેથી શરૂ થનારી આ બે દિવસીય ક્લાઇમેટ સમિટની યજમાની બિડેન કરશે, જેમાં તેઓ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનના અમેરિકાના લક્ષ્યાંકને રજૂ કરશે – જે લક્ષ્યાંક ઐતિહાસિક પેરિસ કરાર હેઠળ રાષ્ટ્રીય રીત નક્કી કરાયેલ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટેનો લક્ષ્યાંક હોય છે.
વ્હાઇટ હાઉસે આજે જણાવ્યું હતું કે કુલ ૪૦ વિશ્વ નેતાઓ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીની પ્રમુખ ઝિ જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીનને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું છે.
આ સમિટમાં જેમને આમંત્રણ અપાયું છે તે અન્ય નેતાઓમાં જાપાનીઝ વડાપ્રધાન યોશીહીદે સુગા, બ્રાઝિલિયન પ્રમુખ જૈર બોલસોનારો, સાઉદી અરેબિયાના રાજા સલમાન અલ સઉદ અને યુકેના વડાપ્રધાન બોરિસ જહોનસન વગેરેનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સનું વિશ્વભરના લોકો માટે લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે. આ સમિટમાં પાકિસ્તાનનો સમાવેશ નથી. બાંગ્લાદેશ અને ભૂટાન છે.
આ સમિટના સમય સુધીમાં અમેરિકા તેના નવા નક્કી કરાયેલા પેરિસ કરાર હેઠળના મહત્વાકાંક્ષી ૨૦૩૦ સુધીના કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકની જાહેરાત કરશે એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને પેરિસ હવામાન સંધિમાંથી પાછું ખેંચી લીધું હતું, નવા અમેરિકી પ્રમુખ જો બિડેન તેમના ચૂંટણી પહેલાના વચન મુજબ અમેરિકાને ફરીથી આ સંધિમાં દાખલ કરી રહ્યા છે.