નડિયાદ: ખેડા જિલ્લામાં ભ્રષ્ટ નેતાઓ તેમજ અધિકારીઓના સીધા આશીર્વાદથી સરકારી જમીનો પચાવી પાડનાર ભુમાફિયાઓ બેફામ બન્યાં છે. ત્યારે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં ગૌચર માટે નીમ કરવામાં આવેલી બ્લોક સર્વે નં 82 વાળી જમીનમાં ભુમાફિયાઓએ અવરજવર માટેનો પાકો આર.સી.સી રસ્તો બનાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામપંચાયત દ્વારા આ ભુમાફિયાઓને નોટીસ પણ ફટકારવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ સાથે વગ ધરાવતાં આ ભુમાફિયાઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં બ્લોક સર્વે નં 82 વાળી ગૌચર જમીન આવેલી છે.
આ જમીનની પાછળ વેરહાઉસ બનાવવામાં આવી રહ્યાં છે અને તેની બાજુમાં કેટલાક પ્લોટ પણ પાડવામાં આવ્યાં છે. જોકે, આ વેરહાઉસ અને પ્લોટમાં અવરજવર માટેનો રસ્તો ન હોવાથી ભુમાફિયાઓએ ગ્રામપંચાયતની મંજુરી લીધાં વગર જ બ્લોક સર્વે નં 82 વાળી ગૌચરની જમીનમાં અવરજવર માટે પાકો આર.સી.સી રસ્તો બનાવી દીધો છે. ભુમાફિયાઓની આ કરતુત અંગેની જાણ જાગૃત નાગરીકોને થતાં તેઓએ ગ્રામપંચાયતનું ધ્યાન દોર્યું હતું.
જે બાદ ગ્રામપંચાયતે આ મામલે ભુમાફિયાઓને નોટીસ પણ પાઠવી હતી. પરંતુ, ભુમાફિયાઓ ઉપર ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓના ચાર હાથ હોવાથી ગ્રામપંચાયત દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અવરજવરના રસ્તાં વિનાની જગ્યામાં વેરહાઉસ બનાવવાની તેમજ પ્લોટ પાડવાની મંજુરી કોને આપી તે પ્રશ્નો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે આ મામલાની ન્યાયીક તપાસ કરી ભુમાફિયાઓના કબ્જામાંથી ગૌચરની જમીન પરત લેવામાં આવે તેવી જાગૃતજનોની માંગ ઉઠવા પામી છે.
ભુમાફિયાઓના પાપે ગાયો રખડતી થઈ
ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં મોટાભાગની ગૌચરની જગ્યાઓ ઉપર ભુમાફિયાઓએ કબ્જો જમાવી દીધો હોવાથી ગાયોને ચરવા માટે હવે જગ્યા ખુબ જ ઓછી રહી છે. આમ ભુમાફિયાઓના પાપે ગાયો રખડતી થઈ ગઈ છે. રખડતી ગાયો લોકોને શિંગડે ચઢાવતી હોવાના બનાવો વધતાં સરકાર ગાયોને પાંજરે પુરી, પશુપાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા ગાયો અને પશુપાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાને બદલે ભુમાફિયા વિરૂધ્ધ કાર્યવાહી કરી, ગૌચરની જમીન પરત લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
ગ્રામપંચાયતે નોટીસ પાઠવી સંતોષ માન્યો
ગૌચર જમીનમાં બિનઅધિકૃત રીતે આર.સી.સી રસ્તો બનાવવામાં આવી રહ્યો હોવા અંગેની જાણ થતાં, કનેરા ગ્રામપંચાયત દ્વારા ગત તા.16-11-22 ના રોજ રાજ મેખીયા, પીયુષ પટેલ, એચ.એસ.હોટલવાળાને નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસમાં જણાવ્યું છે કે, ગામ બ્લોક 82 પૈકી ગૌચરની જગ્યામાં આપના દ્વારા બિન અધિકૃત કૃત્ય કરવામાં આવતુ હોવાનું માલુમ પડેલ છે. આ બાબતે કનેરા ગ્રામપંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી આપવામાં આવેલ હોય તો, તેની નકલ તથા નગરનિયોજનના નકશાની નકલ તથા બિનખેતીના હુકમની નકલ દિન-7 માં ગ્રામપંચાયત ખાતે રજુ કરવી. તેમજ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ગૌચરની જમીનમાં કામ કરવું નહી. જો તેમ કરવામાં નહી આવે તો પંચાયત દ્વારા સરકારી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે, આ નોટીસ પાઠવ્યાંના દોઢ મહિનાનો સમય વિતી ગયાં બાદ પણ ભુમાફિયાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ જમીન ગૌચર માટે નીમ કરી હોવાનો ગામ નમુના નંબર 7 માં ઉલ્લેખ
કનેરા ગામની સીમમાં આવેલ બ્લોક સર્વે નં 82 પૈકી ખાતા નં 287 વાળી 0-96-49 ક્ષેત્રફળ ધરાવતી જમીન ગૌચર માટે નીમ હોવાનું તેમજ ખાતા નં 600 વાળી 0-02-66 ક્ષેત્રફળ ધરાવતી જમીન પર ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નવી દિલ્હીનો કબ્જો હોવાનું ગામ નમુના નંબર 7 માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે.
જમીનની માપણી કરાવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે – તલાટી
આ મામલે કનેરા ગ્રામપંચાયતના તલાટીને પુછતાં તેમણે
જણાવ્યું હતું કે, જાગૃત નાગરીકની રજુઆતને આધારે આર.સી.સી રસ્તો બનાવનારને નોટીસ પાઠવવામાં આવી છે. જોકે, ત્યાં વર્ષો અગાઉ રસ્તો હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે. માટે, જમીનની માપણી કરાવ્યાં બાદ જ આ જગ્યામાં દબાણ થયું છે કે કેમ તેની સાચી માહિતી બહાર આવે તેમ છે. જેથી, આ જમીનની માપણી માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જમીનની માપણીમાં જો ગૌચરની જગ્યા પર રસ્તો બનાવ્યો હોવાનું બહાર આવશે તો, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.