Columns

ભૂલકર ભી કોઈ ભૂલ હો ના…!

અમે સૌ દિવાનખાનામાં બેઠાં હતાં. એકદમ કાચ તૂટવાનો અવાજ આવ્યો, અમે સૌ દોડયાં, મોંઘામાં મોંઘું ફલાવરવાઝ હજુ તો ગયા અઠવાડિયે જ ખરીદ્યું હતું. પપ્પાએ ના પાડી કે ઘરમાં નાનાં છોકરાંઓ છે, તોડી નાંખશે. એ લોકો દોડાદોડી કરે, બોલથી રમે, બોલ લાગી જશે તો અને એવું જ થયું, મોન્ટુ બોલી ઊઠયો, ‘‘મમ્મી, મેં નથી તોડ્યું. ચિન્ટુએ બોલ ફેંકયો હતો.’’ મોન્ટુએ પોતાની ભૂલ ઢાંકવા ચિન્ટુનું નામ દઇ દીધું.
સમાજમાં સર્વત્ર આવું જ બન્યા કરતું હોય છે. દરેક વ્યકિત પોતાની ભૂલ છુપાવવા બીજાનો વાંક કાઢતી હોય છે. અમારા એક મિત્ર છે એ કાયમ એની પત્નીની જ ભૂલો કાઢતા હોય છે. ઓફિસે જવાનું મોડું થયું તો કહેશે તારે લીધે. ધંધામાં ખોટ ગઇ તો કહે તારાં પગલાં નથી સારાં, સ્કૂલની પરીક્ષામાં છોકરાંઓ નાપાસ થાય તો પણ પત્નીનો જ વાંક કાઢે. છોકરાં માંદાં પડયાં તો પણ પત્નીની બેકાળજીથી. બીજાની હાજરીમાં પત્નીની બૂરાઈઓ કર્યા કરે, ખામીઓ, ભૂલોનાં ગીત ગાયાં કરે. એ સારી રસોઇ બનાવતી નથી, કંઇ સારું શીખતી નથી. તારા કજિયાખોર સ્વભાવને લીધે કોઇ મિત્રોને હું ઘેર બોલાવી શકતો નથી. તારા ખર્ચાથી તો તોબા…! આખો દિવસ શોપીંગ અને બહાર રખડવાનું. બીજું કંઇ આવડતું નથી. તારાથી હું કંટાળી ગયો છું.
અમારા બીજા એક મિત્ર કમાવું નહીં ને ભૂલ કાઢે નસીબની. શેર ખરીદ્યા, શેરબજાર ઘટી ગયું. રીઅલ એસ્ટેટનો ધંધો શરૂ કર્યો. માર્કેટ ડાઉન થઇ ગયું. મારી કોઈ બાજી સફળ થતી નથી. મારા ગ્રહો જ વાંકા છે. રાહુ નડે છે. કેટલીય પૂજા કરાવી તોયે કંઇ સીધું પડતું નથી.
આદમ અને ઇવના સમયથી માણસને ભૂલ કરવાની ટેવ પડી ગઇ છે. ‘માણસ માત્ર ભૂલને પાત્ર.’ ભૂલ થવાનાં અનેક કારણો હોય શકે છે. કયારેક ઉતાવળમાં, કયારેક સરતચૂકથી, કયારેક અજ્ઞાનતાથી, કયારેક બેદરકારીથી, કયારેક વધારે પડતા કામના બોજથી, આમ ઘણા પ્રકારે ભૂલો થતી હોય છે. અમુક પ્રકારની ભૂલ સામાન્ય પ્રકારની હોય છે. એમાં ફકત ભૂલ કરનાર તથા તેને જે વ્યક્તિએ કામ સોપ્યું છે એ બે જ પક્ષકારોને સહન કરવાનું આવે છે. જયારે અમુક પ્રકારની ભૂલોથી અસંખ્ય માણસો પર એની અસર પડે છે. તાજેતરમાં જ બનેલી ઘટના રાજકોટ ગેમઝોન અને મોરબી પુલ હોનારત. કોઇકની ભૂલથી અસંખ્ય માણસોના જીવ ગયા. આવા તો દરરોજ છાપાનાં પાને સમાચારો ચમકતાં હોય છે. ડ્રાઈવરની ભૂલને કારણે બસ રેલીંગ તોડી નદીમાં ખાબકી- મોટી સંખ્યામાં મુસાફરો મૃત્યુ પામ્યા-બીજા થોડા ઇજા પામ્યા.
ઘણી વાર વાહનસવાર ગાડી ચલાવતાં ચલાવતાં મોબાઈલમાં વાત કરવામાં એટલા મશગુલ હોય કે સરતચૂકથી અકસ્માતનો પોતે તો ભોગ બને બીજા બેત્રણને પણ અડફટમાં લે.
ઘણી વાર લગ્નપ્રસંગમાં ભોજનના પ્રબંધમાં કેટરિંગવાળાની કોઇ ભૂલ કે ક્ષતિને કારણે એવા પ્રકારની રસોઇ બની જવાથી હજારો લોકોને એક સાથે ફૂડ પોઇઝનિંગ થવાની દુર્ઘટના બને છે. કેટરિંગવાળાની ભૂલને લીધે બધાની તબિયત બગડતાં હોસ્પિટલમાં અંધાધૂંધી સર્જાય છે. જે વ્યક્તિને ત્યાં પ્રસંગ હોય તેની પણ બદનામી થાય છે. આમ એક નાનકડી ભૂલથી કેટલાંય માણસોને સહન કરવાનું આવે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય હોય કે ગંભીર પરંતુ ભૂલ એ ભૂલ જ છે. સામાન્ય રીતે રોડ અકસ્માતમાં પણ કયારેક વાહનચાલકની ભૂલ હોય છે તો કયારેક સામાવાળાની ભૂલ હોય છે. કયારેક ગતિ નિયંત્રણનો અભાવ તો કયારેક ટ્રાફિકના નિયમોની અજ્ઞાનતાને કારણે અકસ્માત સર્જાય છે. બંને પક્ષને હાનિ પહોંચે છે.ભૂલો તો થાય પણ પ્રયત્નો એવા કરવાના કે જેથી ભૂલોની પરંપરા ન સર્જાય…! બાળક નાનું હોય ત્યારે તેને લખવા પેન્સિલ અપાય છે કેમ કે તે વખતે ભૂલો થાય તે રબરથી ભૂંસી શકાય તેવી અને ભૂલી જવાય તેવડી હોય છે પણ તે મોટું થાય ત્યારે તેને પેનથી લખવાનું હોય છે. ત્યારે થતી ભૂલો ભૂંસી શકાતી નથી. ભૂલો અને માનવ સ્વભાવને કાયમી દોસ્તી. માનવ ભૂલો કરવાનું છોડતો નથી અને એની ભૂલો તેનો પીછો છોડતી નથી. માનવમનની એક નબળાઈ બીજાની ભૂલો તે ભૂલતો નથી અને પોતાની ભૂલો યાદ રાખતો નથી.
કેટલાક માણસો બહુ જબરા હોય છે. તેમની ભૂલો વિશે જો તેમને ખાનગીમાં ટકોર કરીએ તો તેઓ કશું ગણકારતાં નથી અને જાહેરમાં તેમને તેમની ભૂલો બતાવો તો સામે ત્રાગાં કરશે.
એક પુત્રવધૂને તેની સાસુએ કંઇક ભૂલ બતાવતાં કહ્યું, ‘‘વહુ બેટા, આ કામ આ રીતે નહીં કરવાનું, એમ કરવાથી નુકસાન થાય. જો તમે એ કામ આ રીતે કરશો તો નુકસાન નહીં થાય અને ઝડપ પણ વધશે.’’
તરત જ વહુ વીફરી- ‘‘તમે સાસુઓ કદી સુધરવાની જ નહીં. ગમે ત્યાંથી વહુની ભૂલો શોધવી, તેને બદનામ કરવી. દરેક સાસુને આવી ટેવ હોય જ છે. હું ગમે એટલું સારું કામ કરીશ તો ય તમે વહુ પર વટ મારવા ભૂલો કાઢશો જ. હું ગમે તેટલું સારું કામ કરીશ તોય તમને તો એમાં કંઇક ને કંઇક ભૂલ દેખાશે જ!’’
ઘર હોય કે ઓફિસ આવા જબરા માણસો તમને દરેક ઠેકાણે જોવા મળશે. પોતે કામ કરશે નહીં પણ બીજાં લોકોનાં કામ પર એ લોકો સતત નજર રાખતાં હશે પણ પોતાની ભૂલ જોશે નહીં. સ્વીકારે તો માણસ શાનો? પોતાની ભૂલ સ્વીકારવા કલેજું જોઇએ. નિરહંકારી, તટસ્થ તથા ખેલદિલ વ્યક્તિઓ જ આવું કલેજું રાખી શકે છે. ભૂલ થઇ છે તો થઇ છે શકય હોય ત્યારે તે સુધારી લેવાની અને તે સિવાય તેનાં પરિણામો આવે, તે સામે છાતીએ ભોગવી લેવાનાં, આવું સમજીને ચાલનારા ખુદને પ્રામાણિક રહેતાં શીખી લે છે. ખરેખર ભૂલોમાંથી જે શીખે, મંઝિલ તેને મળે…! તો વાચકમિત્રો! દુનિયામાં કોઇ પણ વ્યક્તિ એવી નથી કે જેણે ભૂલ ના કરી હોય, સાથે એક વાત ચોક્કસ છે. ઠોકરો અને ભૂલોમાંથી સબક શીખીને જે વ્યક્તિ પાર ઊતરે છે એ પોતાની નક્કી કરેલી મંઝિલે જરૂરથી પહોંચી શકે છે. ભૂલનો એકરાર કરતાં શીખો, ભૂલનો ખુલ્લા દિલે સ્વીકાર કરશો તો તમે હળવાફુલ બની જશો. ભૂલવાની કળામાં એક્કા બનો. ભૂલને ઢાંકવાને બદલે સુધારો. માફી માંગવામાં શરમ ન રાખો. માફ કરવું સૌને માટે સહજ છે. ઇશ્વરને એક જ પ્રાર્થના હે પ્રભુ! અમે ભૂલમાં પણ કોઇ ભૂલ ન કરી બેસીએ એવું વરદાન આપ.
‘હમસે ભૂલકર ભી કોઇ ભૂલ હો ના…
ઇતની શક્તિ હમે દેના દાતા…!

Most Popular

To Top