હાલોલ: હાલોલ નગર ખાતે છેલ્લા અઢી વર્ષથી ચાલતા ભૂગર્ભ ગટર યોજના કામ અંતર્ગત રોડ રસ્તાઓની મધ્યમાં ખોદેલા ખાડાઓનો ભોગ આજે વધુ બે વાહનો બન્યા હતા. જેમાં દાવડા ખાતે અમુલ દૂધનો સપ્લાય કરતો આઈસર ટેમ્પોના ટાયરો ખાડામાં પડતા વહેલી સવારે ટેમ્પો પલ્ટી ખાતા દૂધની થેલીઓ રોડ પર ઢોળાઈ ફાટી જતા રોડ પર દૂધની નદી વહેતા લોકોને દૂધ માટે ફાંફા મારવાનો વારો આવ્યો હતો જયારે બીજા બનાવમાં ગોધરા રોડ પર આવેલ પપ્પાજી પાર્ક ખાતે ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ઇકો વાન ફસાઇ હતી .
જેમાં વિકાસના ખાડાઓએ બે વાહનો ભોગ લેતા નગરજનો સહિત વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલોલ નગર ખાતે છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટરની સદંતર લાપરવાહી અને આડેધડ કામને પગલે સમગ્ર નગરના મુખ્ય હાર્દ સમા તમામ રોડ-રસ્તાઓ સોસાયટીઓ, ગલીઓ, ફળિયાઓ, અને બજારોના રોડ રસ્તાઓ બદ થી બદત્તર બની ચૂક્યા છે.
મને ખબર નથી
ગુજરાત મિત્રને GWSSB ના આસિ. એન્જિનિયરે જણાવ્યું હતું કે ભૂવાઓ અંતર્ગત ઇજારદારને નોટિસ આપેલી છે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂ આપવાની મને સત્તા નથી એ મારા ઉપરી અધિકારીઓને જ સત્તા છે જ્યારે ઉપરી સત્તાધારી અધિકારી અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મારા સાહેબને સત્તા છે કે નહીં તે મને ખબર નથી પરંતુ મારા આસિસ્ટન્ટ એન્જિનિયર ના હોદા પર અમને ઇન્ટરવ્યુ આપવાની સત્તા નથી તેવું જણાવ્યું હતું.
– અભિનય ભાટિયા.(GWSSB ના આસિસ્ટન્ટ એન્જિનિયર)