Columns

ભૃગુ ઋષિ શ્રીહરિના વક્ષસ્થલ પર લાત મારે છે

ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવી પહોંચતા ખૂબ આનંદમાં હતા. હવે આ મહાન વૈકુંઠમાં શ્રી હરિ વિષ્ણુ મારું સ્વાગત કરશે. મને ઉચિત આસન આપશે અને શ્રી વિષ્ણુ સાથે લક્ષ્મીજી મને પગે લાગશે એવા સુખદ વિચારોમાં મુનિવર રાચતા હતા અને એનાથી બધું જ વિપરીત થયું. શ્રી વિષ્ણુ તો આંખો મીંચીને સ્મિત સાથે શૈયા પર પડયા હતા અને પગ પાસે લક્ષ્મીજી પણ આંખો મીંચીને સેવા કરી રહ્યા હતા. ઋષિએ હુંકારથી પોતે આવ્યા છે એનો સંકેત પણ આપ્યો.

પણ શ્રી હરિ ઊઠ્યા જ નહીં અને ભૃગુ ઋષિ સંતપ્ત થયા, આંખો લાલ થઇ, જમણા હાથનો દંડક ઊંચો કર્યો, પગ પછાડતા પછાડતા વિષ્ણુ શૈયા પાસે આવીને પોતાનો જમણો પગ ઊંચો કરીને શ્રી હરિના વક્ષસ્થલ પર જોરદાર લાત મારી. લક્ષ્મી દેવી તો ચકિત થયા. ક્રોધાવશ ઋષિને જોઇને તે તો સ્તબ્ધ બન્યા અને શ્રી હરિએ આંખો ખોલી અને ઊઠીને ઋષિને પ્રણામ કર્યા. અપરાધી ભાવનાથી બોલ્યા, ‘હે ઋષિવર! મને ક્ષમા કરશો, મારાથી ભૂલ થઇ છે. આપ આવ્યા છો અને મારાથી આપનું સ્વાગત ન થયું. આપના આગમનનું કારણ પણ મેં પૂછયું નહીં.

મને ક્ષમા કરો. હે તપસ્વી! આવો, અહીં આસનસ્થ થાઓ. તમે મારી છાતી પર પગ પ્રહાર કર્યો, આપના પગને વાગ્યું તો નથી ને?’ અને શ્રી હરિએ મુનિના પગ પર હાથ ફેરવ્યો અને ધીરેથી પગની નીચેનો જ્ઞાન ચક્ષુ દબાઈ દીધો, તો ઋષિમાં જે અહંકાર ભાવનો દોષ હતો, તેનો નાશ થયો. ભૃગુ ઋષિ અહંકાર મુક્ત થઇ ગયા. પરિણામે ભૃગઋષિની આંખો ખૂલી ગઈ. એમનામાં સ્વભાવ પરિવર્તન આવ્યું. તે સહજ વિનયશીલ બની ગયા. શૈયા આસન પરથી ઊઠીને દીન સ્વરોમાં બોલ્યા, ‘હે વૈકુંઠેશ્વર! મને ક્ષમા કરો. હું જ અપરાધી છું, અહંકારી છું, મારા અહંકાર ભાવને દંડ થવો જ જોઇએ. હું દોષી છું. મારા અહંકારી ક્રોધથી મેં અવિવેકી ગહન પાપકૃત્ય કર્યું છે.

મુજ પાપીને ક્ષમા કરો.’ એમ કહીને શ્રી વિષ્ણુના પગ પર માથું મૂકીને રડવા લાગ્યા. શ્રી હરિ ભૃગુ કેમ આવ્યા હતા તે જાણી ગયા હતા. શ્રી હરિએ ભૃગુ ઋષિને ઉઠાડયા, છાતી સરસા ચાંપ્યા અને કહ્યું, ‘હે ભૃગુ! તું નિરપરાધ છે, દોષ રહિત છે. તે નિમિત્ત કારણ જોતાં યોગ્ય જ થયું છે. તારો ક્રોધ મારા માટે પ્રેમ અને સૌજન્યનો ધોધ બન્યો છે. તારું સમયોચિત સ્વાગત ન થતાં, તેં ક્રોધી બનીને એવું કર્યું છે. આમાં તારો કોઇ જ દોષ નથી. તું નિર્દોષ છે. તારા થકી જ મારી કીર્તિ વધી જશે. મેં તમને ક્ષમા કરી છે. તમે હવે નિશ્ચિંત થઇ જાઓ. જે કારણવશ તમે અહીં પધાર્યા હતા, તેમાં તમે સફળ થયા છો.’ આવું સાંભળતાં જ ભૃગુ ઋષિને આનંદ થયો અને તેમણે શ્રી વિષ્ણુને નમસ્કાર કર્યા અને આજ્ઞા લઇને સીધા ભૂલોકમાં આવ્યા. 

ભૂલોકમાં ગંગા તટ પર ગયા. ત્યાં કશ્યપ આદિ મુનિઓ વિરાજમાન હતા. ભૃગુનું સ્વાગત થયું આનંદિત થયેલા ઋષિઓને ત્રિલોકમાં જે ઘટનાઓ બની, તેનો સમગ્ર વૃત્તાંત ઋષિઓને કહી દીધો અને બોલ્યા, ‘હે કશ્યપ મહારાજ! આ યજ્ઞનું ફળ ત્રિમૂર્તિમાંથી ફકત ને ફકત શ્રી વિષ્ણુ ભગવાનને જ આપવું યોગ્ય છે.’ ભૃગુ ઋષિના કથન પ્રમાણે અને આજ્ઞાથી યજ્ઞનું યર્થાથ ફળ શ્રી હરિને આપવાનું નિશ્ચિત થયું. કશ્યપ મુનિએ ગંગા તટ પરની યજ્ઞ – વિધિ 48 દિવસોમાં પૂર્ણ કરી. શ્રીમન્નારાયણ પ્રસન્ન થઈને ત્યાં પધાર્યા, શ્રી વિષ્ણુને જોઈને બધા ઋષિઓ કૃતાર્થ બન્યા. યજ્ઞનું યશોફલ શ્રીમન્નારાયણને આપી દીધું અને શ્રી હરિ સમસ્તને આશિષ આપીને તૃપ્ત થઇને અંતર્ધાન થઇ ગયા. જે દિવસે ભૃગુ ઋષિએ શ્રી હરિના વક્ષસ્થલ પર લાત મારી, તે જોઇને લક્ષ્મીજી દુ:ખી હતા કારણ વક્ષસ્થળ પર લક્ષ્મીનો વાસ હોય છે.

એક સાધારણ મુનિ આવીને શ્રી હરિની છાતી પર પદ પ્રહાર કરે છે અને સ્વામી એના જ પગ દબાવે છે, તેને સત્કારે છે, તેની ક્ષમા ચાહે છે, તેનાથી લક્ષ્મી દેવી શ્રી વિષ્ણુજી પર ભયંકર નારાજ હતા. શ્રી હરિ ઋષિને તત્કાલ સજા કરશે. શ્રાપ આપશે કે વૈકુંઠમાંથી કાઢી મૂકશે એવું લક્ષ્મીએ ધાર્યું હતું પણ થયું તે વિપરીત થયું. તે બધું જોઈને લક્ષ્મી એટલે જ પ્રભુ ‘શ્રીનિવાસ’ પર ક્રોધિત થયા. શ્રી નિવાસે લક્ષ્મીને સમજાયું, ‘આ ભૃગુ તો આપનો પુત્ર જેવો છે. જે નિમિત્તથી તે આવ્યા, તેથી તો મૃત્યુ લોકોમાં શાંતિ થશે. ઋષિ – મુનિઓ પ્રસન્ન થશે. નર – નારી આનંદી બનશે. પણ લક્ષ્મી દેવી માન્યા જ નહીં. તે વધારે ક્રોધિત બનીને ભૃગુ શિક્ષાને પાત્ર છે એમ જ બોલતાં રહ્યાં.                          
(ક્રમશ:)

Most Popular

To Top