Comments

ભોપાલ ગેસ દુર્ઘટનાને ચાલીસ વર્ષે…

૧૯૮૪ની બીજી ડિસેમ્બરની એ ગોઝારી રાતને ચાલીસ વર્ષ થયાં. યુનિયન કાર્બાઈડ નામની બહુરાષ્ટ્રીય કંપનીના ભોપાલ સ્થિત પ્લાન્ટની માવજતમાં અને સલામતીનાં યોગ્ય પગલાં લેવામાં મેનેજમેન્ટે દાખવેલી ગુનાહિત બેદરકારીને કારણે વિશ્વના ઈતિહાસમાં સૌથી ભયંકર ગણાતો ઔદ્યોગિક અકસ્માત એ રાત્રે થયો અને મિથાઈલ આઇસોસાયનેટ (MIC) નામનો અત્યંત ઝેરી ગેસ ચાલીસ ચોરસ કીલોમીટર સુધી શહેરની વસ્તી પર ફરી વળ્યો. સરકારી આંકડા મુજબ ઝેરી ગેસની અસરને કારણે ૩૫૦૦ લોકોનાં તાત્કાલિક મૃત્યુ થયાં અને ઘટનાના એક વર્ષની અંદર આશરે ૧૫૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં.

આ તો સરકારી આંકડા છે, જે માત્ર તાત્કાલિક થયેલા મૃત્યુ સુધી સીમિત છે. પણ, જો એમાં લાંબા ગાળાની બીમારીનો ભોગ બનેલાં લોકોના આંકડા ઉમેરીએ તો આ આંકડો વર્ષો સુધી વધતો રહ્યો છે. એક અંદાજ પ્રમાણે આ દુર્ઘટનાને કારણે વીસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં અને પાંચ લાખથી વધુ લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યાં. વર્ષો સુધી  ગેસના સંપર્કમાં આવેલાં લોકોને કૂખે ખોડખાંપણવાળાં કે જન્મજાત ગંભીર બીમારી સાથે બાળકો જન્મતાં રહ્યાં.

એમાં જો MIC ગેસ અને એ સંબંધિત હજારો ટન ઝેરી કચરાના અયોગ્ય નિકાલના કારણે જળ-જમીનના પ્રદૂષણથી જે પ્રશ્નો ઊભા થયા છે એને ગણતરીમાં લઈએ તો અત્યંત ભયાનક ચિત્ર ઊભું થાય છે. યુનિયન કાર્બાઈડ (આજનું  ડોવકેમિકલ્સ)ના પ્લાન્ટની આજુબાજુના વિસ્તારમાં આજે પણ પીવાનું પાણી ઝેરી તત્ત્વોથી પ્રદૂષિત છે. જેનો હલ આજ દિન સુધી આવ્યો નથી. જે માટે ભોપાલ લોકોનો સંઘર્ષ ઘટનાના ચાર દાયકા પછી પણ ચાલુ છે. ભોપાલની ઘટના બહુરાષ્ટ્રીય કંપનીઓની નફાખોરી વૃત્તિ અને એ સામે સરકારની ઉદાસીનતાનું ઉદાહરણ છે. વિકસિત દેશો સ્થિત બહુરાષ્ટ્રીય કંપની જોખમી વસ્તુનું ઉત્પાદન પોતાના વતનમાં ના કરતા વિકાસશીલ દેશોની જમીન પર કરતી હોય છે.

વિકસિત દેશોના ઔદ્યોગિક સુરક્ષા સંબંધી તેમજ પર્યાવરણ સંબંધી કાયદા કડક છે. એ કાયદા પ્રમાણે જો અકસ્માત થાય તો અસરગ્રસ્તોને વળતર આપવું ‘મોંઘું’પડતું હોય છે. બીજી તરફ વિકાસશીલ દેશોને  આર્થિક વૃદ્ધિની હોડમાં  વિદેશી રોકાણની જરૂર પડે છે જે માટે કાયદાઓ હળવા અને ઉદાર રાખે છે. દા.ત. ભારત સરકારે ૧૯૮૬માં યુનિયન કાર્બાઈડ સામે ૩ બિલિયન ડોલરના વળતરનો દાવો માંડ્યો અને બધી વાટાઘાટો પછી ૧૯૮૯માં કોર્ટની બહાર માત્ર ૪૭૦ મિલિયન ડોલરના વળતર માટે સંમત થઇ ગઈ, એટલે કે મૂળ દાવાના માત્ર ૧૫ ટકા! માત્ર સારવારનો ખર્ચ જ આ રકમ કરતાં અનેક ગણો વધારે હતો, કારણ કે એની અસર પણ લાંબા ગાળાની હતી.

આંખોના પ્રશ્નો, પાચનતંત્ર સંબંધી તકલીફો, શ્વસન તંત્રની તકલીફ,ચામડીના રોગ,ન્યુરોલોજીકલ તકલીફો તેમજ માનસિક રોગો જેવા અનેક પ્રકારની બીમારીનો ભોગ લોકો બન્યા છે. આ અસર લાંબા ગાળાની છે એ સાબિત કરવા માટે યોગ્ય મેડીકલ રીસર્ચ પણ ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચે પૂરું ના કર્યું, પરિણામે વધી ગયેલા આરોગ્યના પ્રશ્નો સાથે ઝેરી ગેસનો સંબંધ સ્થાપિત ના થયો અને લોકોની કામચલાઉ દવાઓથી જ સારવાર થતી રહી! અને કંપની સામે કાયમી અસર માટે જરૂરી મોટી રકમનો દાવો નબળો રહ્યો. અહીં, શું એ કહેવાની જરૂર છે કે અસરગ્રસ્ત લોકો મોટા ભાગે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના હતા.

યુનિયન કાર્બાઈડે કંપની ૧૯૯૧માં જ વેચી લીધી, જે વિશ્વની સૌથી મોટી કેમિકલ કંપની ડોવકેમિકલ્સે ખરીદી. ડોવે અકસ્માત અને તેના વળતર સંબંધે જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને લોકોનો સંઘર્ષ ચાલુ રહ્યો. આ ઘટના જેટલી કોર્પોરેટ કંપની અને સરકારની ઉદાસીનતાનો છે એટલો જ અન્યાય સામે ચાલુ રહેલા લોકસંઘર્ષ છે. આજે ચાલીસ વર્ષે પણ તેમણે ન્યાયની આશા છોડી નથી અને હથિયાર હેઠાં નથી મૂક્યાં.

કાનૂની જંગની સાથે સાથે MIC જેવા ગેસના ઉત્પાદનની ઝેરી અસર અને માણસના આરોગ્ય પર થતી અસર સમજવા માટે જરૂરી વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ એમણે સાથ આપ્યો છે. ખરેખર તો આ સરકારની જવાબદારી ગણાય. અસરગ્રસ્ત લોકોએ જ પૈસા ભેગા કરી ‘સદ્ભાવના ટ્રસ્ટ કલીનીક’ અને ‘ચિનગારી રીહેબીલીટેશન સેન્ટર’ ની સ્થાપના કરી જ્યાં હજારો ગેસપીડિતો અને તેમનાં બાળકોને યોગ્ય  સારવાર મળે છે. આ પણ સરકાર તરફથી જ થવું જોઈતું હતું! અગત્યનું એ છે કે તેમના સતત પ્રયત્નોને કારણે ડોવ કંપની તેમના દાવા સામે હાથ ખંખેરી શકતી નથી.

પ્રશ્ન માત્ર નાણાંકીય વળતરનો નથી. પ્રશ્ન એ વ્યવસ્થાનો છે જે ઊંચા આર્થિક વિકાસની હોડમાં સામાન્ય લોકોના હક અને હિતને ગણતરીમાં લેતી નથી. જે જમીન પ્રદૂષિત થઇ એ ભારતની અને અસરગ્રસ્ત લોકો પણ ભારતના તેમ છતાં ૪૦ વર્ષ સુધી આવેલી અને ગયેલી દરેક સરકારે લોકોનો સાથ આપવાને બદલે કંપનીના હિતને અગ્રેસર રાખી નિર્ણય લીધા છે. આ પ્રશ્ન વ્યવસ્થાનો હોવાને કારણે એને ચાલીસ વર્ષે પણ યાદ કરવો રહ્યો. એમનેસ્ટી ઇન્ટરનેશનલ નામની ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કરેલો ભોપાલપીડિતોની ચાલીસ વર્ષની સફરનો દસ્તાવેજ જોવા જેવો છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top