Charchapatra

‘ભોડું’!!

બુધવારની પૂર્તિમાં ‘નવબોલવામાં નવગુણ’, નામક હાસ્યની કોલમ, નટવર પંડયા લખે છે. તેઓ સૌરાષ્ટ્રના હોવાથી એમના લેખોમાં ઘણા બધા કાઠિયાડી વાડીના તળપદા શબ્દો આવતા હોય છે. એટલે અમારા જેવાને ખરે જ વાંચવામાં ‘રમૂજ’ ઉત્પન્ન થાય છે. તેઓ કયારેક ઉત્તર ગુજરાતની બોલીના તળપદા શબ્દો પણ પ્રયોજતા હોય છે. હમણાં જ એમણે ‘નગરમાં મગર’ કોલમમાં ‘ભોડું’ શબ્દનો ઉપયોગ કર્યો છે. વડોદરામાં અવાર-નવાર મગર દેખાતા રહેતા હોય છે. એટલે તેઓ લેખમાં લખે છે કે ‘ભાઇ મગરચન્દ્ર ‘ભોડું’ કાઢતા રહે છે. આ ‘ભોડું’ એ નિતાંતપણે, ઉત્તર ગુજરાતમાં બોલાતો શબ્દ છે. ત્યાંના લોકો ‘માથા’ની જગ્યાએ ‘ભોડું’ શબ્દ બોલતા રહે છે. કેટલાંક ઉદાહરણો જોઇએ. અલ્યા તારા સોકરાએ મારા સોકરાનું ભોડું ફોડી નાંખ્યું. એ નવરો ગમે ત્યાં ભોડું કાઢતો હોય છે. મારા ભોડામાં દુખાવો થાય છે. અલ્યા તારા ભોડાના વાળ તો ખલાસ થઇ ગયા છે, સાવ બોડો થઇ ગયો છે. બેય સરખાં ભોડાં ભેગાં થયાં છે. કોઇને કાંઇ કેવા જેવું નથી. ગામમાં એમનું ભોડું મોટું ગણાય છે. ગામમાં ભોડા દીઠ ખાવાનું કીધું છે.

ગામના કામમાં ભોડા પ્રમાણે પૈસાનું ઉઘરાણું નાંખી દેવો. નફફટના ભોડામાં કાંઇ સારી વાત ઘૂસતી જ નથીને! આમ ઉત્તર ગુજરાત બાજુ ‘માથા’ની જગ્યાએ બહુધા ‘ભોડું’ શબ્દ જ વપરાતો આવ્યો છે. જે તે વિસ્તારની તળપદી બોલીનો મહિમા અનેરો હોય છે. જેમ સુરતી લઢણની બોલી આપણને સાંભળવી ગમે છે, તેમ, કાઠિયાવાડી બોલી, ચરોતરની બોલી, મહેસાણા ગમીની બોલી, ધાનધાર (બનાસકાંઠાની) બોલી, આદિવાસી પટ્ટાની બોલી કચ્છની બોલી, ભરૂચી બોલી વગેરે પ્રાદેશિક વિસ્તારોની અલગ – અલગ બોલીઓ, સૌને સાંભળવી ગમે છે. એટલું જ નહિ, આ પ્રકારની તળપદિ બોલીઓ, એ સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પણ વધારતી હોય છે.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top