અમદાવાદ: ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે( CM Bhupendra Patel) એક નવી શિક્ષણ નીતિની શરૂઆત કરી છે. અમદાવાદ(Ahmadabad) શહેરના ગરીબ બાળકો કે જેઓ રસ્તાના સિગ્નલ પર ભીખ માંગતા તથા ઘર વિહોણા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ (AMC) સ્કૂલબોર્ડ દ્વારા એક અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ‘ભિક્ષા નહી શિક્ષા’ નામના નવા પ્રોજેક્ટની શરૂઆત કરી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાળકો માટે સિગ્નલ સ્કૂલો (Signal school) ચલાવવામાં આવશે. સિગ્નલ પર રખડતા બાળકોને પૂરતું શિક્ષણ આપવા માટે ખાસ પ્રકારની 10 સિગ્નલ સ્કૂલ બસો તૈયાર કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આ બસોને લીલીઝંડી આપી દીધી છે. સિગ્નલ સ્કૂલ બસમાં ઘણી ખાસ સુવિધઓ મુકવામાં આવી છે. તેમાં વાઇફાઇ, એલઇડી ટીવી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. અહીં ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતાં બાળકોને ભણાવવામાં આવશે.
- અમદાવાદમાં 10 સિગ્નલ સ્કૂલ બસો તૈયાર કરવામાં આવી
- AMC દ્વારા બજેટમાંથી સિગ્નલ સ્કૂલ રૂ. 35 કરોડ ફાળવવામાં આવ્યા
- હવે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવો નવતર પ્રયોગ
- સીએમ મુખ્યમંત્રીએ એક બાળક દત્તક લઇ નવી પહેલ કરી
સિગ્લન સ્કૂલ એ રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્યે એક નવો અભિગમ છે. ગુજરાત હાઈકોર્ટના ઓડીટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું કે જે અંતર્ગત હાલ 10 સ્કૂલ બસની શરૂઆત કરવામાં આવી છે. જો કે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણથી વંચિત રહેતા તમામ ગરીબ બાળકો માટે સિગ્નલ સ્કૂલ નવતર પ્રયોગ છે. સ્કૂલ બોર્ડ દ્વારા આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બજેટમાંથી રૂ. 35 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેના પરિણામે 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં આવી છે. જેમાં એકસાથે કુલ 139 બાળકોને સ્કૂલના ક્લાસરૂમમાં બેસીને અદ્યતન સુવિધાઓની મદદથી અભ્યાસ કરાવવામાં આવશે. બસની અંદર બ્લેકબોર્ડ, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, પીવાનું પાણી, મિની પંખા, પડદા, મનોરંજનના સાધનો, બારાક્ષરી અને 1થી 10 આંકડાના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની તમામ શક્ય સુવિધાઓ રાખવામાં આવી છે. જેમ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરતા હોય તેવી જ રાતે કલાસરૂમ બસને પણ તૈયાર કરવામાં આવી છે. સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે. આ બસ રોજે સવારે શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાર રસ્તા પરના સિગ્નલ પરથી બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા માટે બસમાં બેસાડવામાં આવશે. આ બસ કોઇ એક ચોક્ક્સ જગ્યાએ ઊભી રાખી બાળકોને સવારના 10થી 1 વાગ્યા સુઘી શિક્ષણ આપવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ માટે સવારનો નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ વિશે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે સિગ્નલ સ્કૂલની શરૂઆત અમદાવાદ શહેરથી કરવામાં આવી રહી છે. દેશમાં પહેલીવાર ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને રાજ્ય સરકારની પ્રેરણાથી આ રીતનુ શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે. પીએમ મોદી દ્વારા શિક્ષા ક્ષેત્રે નવા પ્રયોગ કરીને સૌને શિક્ષણ મળે એવા હેતુથી આ દિશામાં નવી પહેલ કરવામાં આવી છે. ત્યારે આ પ્રયોગ સફળ થાય તેવી આશા છે. હવેથી રસ્તા પર જે વિદ્યાર્થીઓ ભટકે છે એમને ભણાવવાની શરૂઆત થશે. ઝૂંપડીમાં, રેલવે સ્ટેશન પર જે અભ્યાસથી રહી જાય છે એમને અભ્યાસ કરાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યુ કે, નોંધપાત્ર બાબત છે કે સીએમ મુખ્યમંત્રીએ એક બાળક દત્તક લીધું છે અને હું અને કમલ ત્રિવેદી પણ એક-એક બાળક દત્તક લઈ રહ્યા છીએ. સીએમના નેતૃત્વમાં રાજ્યમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં આવી શરૂઆત કરીશું. શિક્ષણ ક્ષેત્રે જે પણ જરૂરી હશે એ કરીશું. સૌ સંસ્થાઓને સાથે રાખીને સુધારા કરીને આગળ વધીશું તેવા પ્રયાસો કરીશું.