Business

મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં યોજાતો ભવનાથનો મેળો

સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ છે. અહીં સાધુ-સંતો અને દાનવીરોની જગ્યાઓ સાથે પૌરાણિક ધાર્મિક સ્થળો પણ જગવિખ્યાત છે. એવું એક સ્થળ છે જુનાગઢનો ગરવો ગિરનાર. ગિરનારની પવિત્રતા એ છે કે ગિરનાર પર્વત પર દેવી-દેવતાઓનાં પવિત્ર ધામો આવેલાં છે. નવનાથ અને 84 સિધ્ધોના સ્થાનક છે. ગિરનારની તળેટીમાં પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવ ભારતભરના સાધુ સમાજના આરાધ્ય દેવ છે તેથી દરેક સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક વાર તો ભવનાથ મહાદેવને શિશ નમાવવા આવે જ છે. મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ અહીં મહાવદ અગિયારસથી મહાશિવરાત્રી સુધી લોકમેળાનું આયોજન થાય છે. ખરેખર તો સાધુ-સંતોનો આ મેળો કહેવાય છે અને જવલ્લે જ જોવા મળતા વિવિધ સંપ્રદાયના સાધુઓના આ મેળામાં દર્શન થતાં હોવાથી હજારોની જનમેદની ઉમટી પડે છે.

બે વર્ષથી કોરોના મહામારીના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી ભવનાથનો મેળો જાહેર જનતા માટે પ્રતિબંધિત હતો. માત્ર સાધુ-સંતો માટે જ પ્રણાલી જાળવવા આયોજન થતું હતું પણ આ વખતે પૂર્ણ છૂટછાટ મળવા સાથે ભવ્યાતિભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જાહેર જનતા માટે મહાવદ અગિયારસથી પ્રારંભ થતો આ મેળો ખરેખર તો સાધુ-સંતો માટે મહા વદ નોમથી જ પ્રારંભ થઇ જતો હોય છે અને જાણકાર દર્શનાર્થી ભકતજનો મહા વદ નોમથી આવવાના શરૂ થઇ જાય છે. ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૃગીકુંડ છે જયાં સાધુ-સંતો અને દર્શનાર્થી ભકતો સ્નાન કરે છે. ભવનાથ મહાદેવ મંદિર 5000 વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે.

મહાભારતના અશ્વત્થામાએ યુદ્ધમાં વિજયી થવા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી એવી કથા છે. ધર્મગ્રંથોનુસાર એક પૌરાણિક કથા એવી પણ છે કે બ્રહ્માજીએ શિવજીને સંસારમાં રહી સંસારીઓના કષ્ટો નિવારવા માટે વિનંતી કરી ત્યારે વનરાજીથી શોભિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચઢયો અને મન પ્રફુલ્લિત થતાં ગિરનારની તળેટીમાં શિવજીએ આસન જમાવ્યું. બીજી તરફ કેટલાય સમય સુધી શિવજી કૈલાસ પર પરત નહીં ફરતા પાર્વતીએ શોધખોળ આદરી. દેવોએ શિવજીને સૃષ્ટિ પર સંસારીઓના કલ્યાણાર્થે મોકલ્યા છે તેવી ખબર પડતાં પાર્વતીજી અન્ય દેવી-દેવતા સહિત ત્યાં પહોંચ્યાં અને શિવજીની નજીક રહેવા માટે પાર્વતીજીએ અંબિકા સ્વરૂપે ગિરનાર પર તથા વિષ્ણુજી દામોદર સ્વરૂપે દામોદરકુંડમાં અને અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનાર પર્વત પર જ અલગ અલગ જગ્યાઓ પર સ્થાન મેળવી નિવાસ કર્યો. પૌરાણિક કથાઓમાં હંમેશ વિસંગતતા તો રહેવાની જ પણ શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવાની જરૂર નથી હોતી.

ભવનાથ મહાદેવ મંદિર સાધુસંતો માટે હંમેશ આસ્થાનું સ્થળ રહ્યું છે તો લોકો માટે મંદિરની વિશેષતાને કારણે ધર્મપ્રિય રહ્યું છે. સામાન્ય રીતે શિવમંદિરમાં ગૌમુખી જમણી બાજુ જ હોય છે જયારે અહીં ગૌમુખી ડાબી બાજુએ છે. સામાન્ય રીતે શિવલિંગ ફરતે થાળું ગોળ આકારનું હોય છે જયારે અહીં થાળું ચોરસ આકારનું છે. મંદિરમાં બે શિવલિંગ છે. એક નાનું શિવલિંગ સ્વયં-ભૂ પ્રકટ થયેલું હોવાની કથા છે તો બીજું મોટું શિવલિંગ અશ્વત્થામાએ પ્રસ્થાપિત કરેલું છે. શૃંગાર વગરના શિવલિંગને ધ્યાનથી જોઇએ તો તેના પર ઓમ આકારની પ્રતિકૃતિ જોવા મળે છે.

મહા મહિનાના અંતમાં મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં યોજાતા મેળાના પ્રારંભ પહેલાં મંદિરના મહંત દ્વારા હજારો સાધુ-સંતો અને જનમેદની વચ્ચે મંદિરના શિખર પર ધ્વાજારોપણ કરવામાં આવે છે. ચાર દિવસના ભવનાથના મેળા દરમ્યાન નવનાથ તથા અશ્વત્થામા સાધુવેશે આવતા હોવાની માન્યતા છે. અહીંનું ખાસ આકર્ષણ નાગા સાધુઓ છે. જૂના અખાડા, મહાનિર્વાણી, નિરંજની, અટલ અખાડા, અગ્નિ અખાડા, આનંદ અખાડા, દસનામી તથા નવનાથ પરંપરાના અનેક નાગા, અઘોરી સાધુઓ બમ બમ ભોલે અને જય ગિરનારી જેવા નાદ સાથે ભવનાથના મેળામાં જોવા મળે છે. મેળાની ભવ્યતા અને ભાગ્યે જ જોવા મળતા સાધુ-સંતોના દર્શનનો લાભ લેવા દેશ-વિદેશથી જનમેદની ઉમટી પડે છે. ધાર્મિક પરંપરાગત યોજાતા આ મેળામાં આવતા લોકો માટે ખરીદીના અનેક સ્ટોલ અને આનંદ-મસ્તી માટે ફજત- ચકડોળ પણ અહીં જોવા મળે છે.

લગભગ 53 એકર ક્ષેત્રમાં યોજાતા આ મેળામાં સાધુ-સંતો માટે રાવટીઓ સામસામેની કતારમાં લગાવવામાં આવે છે તેથી વચ્ચે પસાર થતાં દર્શનાર્થીઓને બંને બાજુના સાધુ-સંતોના દર્શનનો લાભ મળે છે. સૌરાષ્ટ્રની સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ મેળા યોજાવાના ચાર-પાંચ દિવસ પહેલાં પહોંચી જઇ રાવટી, તંબુઓ લગાવવા તથા ભોજન ચા-પાણીની સગવડ કરવા પહોંચી જાય છે. દૂર-દૂરથી આવેલા સાધુ-સંતો તેના સેવકો સાથે અહીં આવે છે ત્યારે રાવટી અને તંબુઓ તેને ફાળવવામાં આવે છે. સાધુ-સંતોની સાથે આવેલા સેવકો ચા-પાણીથી લઇ ધૂણી માટે લાકડાંની વ્યવસ્થા કરતા હોય છે. અહીં શરીરે ભભૂત લગાવી ત્રિશૂલ, ડમરુ, રૂદ્રાક્ષ, તલવાર, શંખ, ચીપિયા ધારણ કરી ચલમ ફૂંકતા નાગા સાધુઓના દૈદિપ્યમાન દર્શન કરવાનો અલૌકિક લાભ મેળવી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવતા જોવા મળે છે. આ વખતે પણ બે વર્ષ પછી યોજાનાર મેળાની ભવ્યતા કંઇક અલગ જ હશે.

મહાશિવરાત્રીનો દિવસ મેળાનો અંતિમ દિવસ હોવાથી ખૂબ ભીડ જોવા મળે છે. ચાર દિવસના મેળાના ભોજન, ભજન અને ભકિતના માહોલ પછી શિવરાત્રીની રાત્રે 9 વાગે ભવનાથ મહાદેવ મંદિરથી સાધુસંતોનું ભવ્ય સરઘસ નીકળે છે ત્યારે બમ બમ ભોલે, હર હર મહાદેવ અને જય ગિરનારીના નારાથી  વાતાવરણ ભકિતમય બની જાય છે. આખી રાત ભવનાથના મુખ્ય રસ્તાઓ પરથી નીકળેલું સરઘસ પ્રાત: 4 વાગે ફરી ભવનાથ મંદિરે પહોંચી અને જુદા જુદા અખાડાઓના સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. એવી પણ માન્યતા છે કે નવનાથના સાધુઓ અને સાધુવેશે આવેલ અશ્વત્થામા તથા દિવ્ય અવતારો મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે ત્યાંથી જ અદૃશ્ય થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક મેળાઓનું ઘણું મહત્ત્વ રહ્યું છે પણ ભવનાથનો મેળો એક વાર માણો એટલે જાણે ભવ સુધરી ગયાની અનુભૂતિ થાય છે.

Most Popular

To Top