વડોદરા : શહેરના પ્રતાપ રોડ પર અંદાજે લગભગ પોણા બસો વર્ષ પુરાણો તાંબેકર વાડા આવેલો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આ સંરક્ષિત ઇમારતને હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ આપવા ત્રિરંગી રોશની થી શણગારવામાં આવતા આ ભવ્ય હવેલી શૈલીનું વિશિષ્ઠ મરાઠા ભવન સ્વતંત્રતા ની ઓજસ્વિતા થી જાણે કે દીપી ઉઠ્યું છે.
પુરાતત્વ વિભાગે મકરપુરા વિસ્તારમાં આવેલા અંદાજે ૬૦૦ વર્ષ જૂના પુરાતન હજીરાને પણ ત્રિરંગી રોશનીથી શણગારવાનું શરુ કર્યું છે.
પાવાગઢ ની વિશ્વ વારસામાં સ્થાન પામેલી ઇમારતોને પણ ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ૧૫ મી ઓગષ્ટના રોજ વડોદરાના હજીરા તેમજ પાવાગઢ – ચાંપાનેરની બેનમૂન સાત કમાન ખાતે ૫૦ ફૂટ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાણે કે અણમોલ પ્રાચીન વારસા ઇમારતો માં રોશનીની ત્રિરંગી રંગોળી પૂરીને હર ઘર તિરંગા અભિયાન અનોખી રીતે સાકાર કરવામાં આવી રહ્યું છે.