ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાનો પૂર્વભાગ ફીટનેશ લઈને દેશમાં ચુનંદા ખેલાડીઓ પેદા થઇ રહ્યા છે. હાલમાં જ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ-૨૦૨૨માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ ઉજ્જવળ કર્યું હતું. હવે ભરૂચની દીકરી સીમા ભગતે (Sima Bhagat) વિશ્વનો સોથી ઉંચો “માઉન્ટ એવરેસ્ટ” (Mount Everest) ચઢાણ કરવા જઈ રહી છે.
- ભરૂચ જીલ્લાના પૂર્વભાગમાં ફીટનેશને લઈને ચુનંદા ખેલાડીઓ દેશમાં નામના કરી રહ્યા છે!
- સીમા ભગતને કીર્તિમાન સ્થાપિત કરવામા હજૂ ૬૦ દિવસ બાકી
નારી હવે ‘અબળા’ નહિ પણ ‘સબળા’ છે. વિદેશની ધરતી તાંઝાનિયા દેશમાં, માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. ઊંચાઈની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા આવેલો છે. હીમઆચ્છાદીત અને વિષમ પરિસ્થિત સાથે પર્વતારોહણનો અનુભવ ન હોવા છતાં સીમા ભગતે પ્રથમ પ્રયાસે લગભગ ૫,૮૯૫ મીટર (૧૯,૩૪૦ ફૂટ) ઉંચાઈ ધરાવતા કિલીમંજારો પર્વતારોહણ કરી બધાને અચંબિત કરી દીધા હતા.
તા-૨૯મી માર્ચ ૨૦૨૨ના રોજ કિલીમંજારોએ માઉન્ટ પર્વતારોહણ સર કરનાર પ્રથમ ભારતીય યુવતી તરીકે અનોખી સિધ્ધિ હાંસલ કરી હતી. પર્વતની ટોચ સર કરીને વિશેષતા એ ઓળખ પ્રસ્થાપિત કરી કે સીમા ભગતે ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઇ દેશની શાન તિરંગો લહેરાવ્યો હતો. મૂળ સીમા ભગત એ નેત્રંગ તાલુકાના મૌઝા ગામની વતની સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કુલમાં પ્રવાસી શિક્ષિકા તરીકે સંકળાયેલા છે. સીમા ભગત માટે બાળપણમાં ડુંગરો ચઢવાનો અનેરો શોખ આજે ઉંચા પર્વત ચઢીને સિદ્ધિ હાંસલ કરી છે.
હવે, માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સિમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટ”ની ચઢાણ માટે ડગલા ભર્યા છે.ગુરુવારથી તેઓ નેપાળમાં એવરેસ્ટ એક્સપિડિશન ચઢાઈ કરવાના પ્રથમ ચરણમાં છે. હિમાલય પર્વતની વિશ્વની સૌથી વધુ ૮૮૪૮.૮૬ મિટર ઉંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ છે. ત્યારે આ માઉન્ટ એવરેસ્ટનું પર્વતારોહણ એક સાહસ છે જે દર વર્ષે હજારો આરોહકોની લાગણી, જુસ્સો અને સતત પ્રયત્નોને સમાવિષ્ટ કરે છે.
હિમાલયની ભૂમિની જબરજસ્ત યાત્રા પડકારજનક અને રોમાંચક રહેશે. ત્યારે હવે માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સીમા ભગતની ૬૦ દિવસ સુધીની યાત્રા સફળ પુરવાર કરે એમ પર્વતારોહકો આશા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય એ છે કે માઉન્ટ એવરેસ્ટ ઊંચાઈના કારણે બીમારી, હવામાન અને પવન જેવા જોખમો સાથે હિમપ્રપાત અને આઇસફોલના જોખમો અને અડચણો ઉભા થતા હોય છે.