ભરૂચ: ભરૂચના (Bharuch) જંબુસર મુખ્ય બજારમાંથી રોજ શાળાએ (School) જતી આવતી વિદ્યાર્થિનીની (Student) છેડતી કરતા દુકાનદારને મંગળવારે પબ્લિકે જ તમાચા ઝીંકી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. બજારમાં યુવાનની પીટાઈને લઈ અન્ય દુકાનદાર વેપારીઓમાં પણ સન્નાટો મચી ગયો હતો. જેનો વિડીયો (Video) વાયરલ થયો હતો.
- દુકાનદાર યુવક છેલ્લા 3 દિવસથી મુખ્ય બજારમાંથી શાળાએ જતી વિદ્યાર્થિનીની છેડતી કરતો હતો
- વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતાં બજારમાં પહેરો ગોઠવ્યો, બાદ લોકોએ 19 દંડા અને તમાચાનો મેથીપાક ચખાડ્યો
- છેડતી કરનાર રોમિયો વિધર્મી હતો, અંતે સમાધાન કરાવતાં મામલો થાળે પડ્યો
જંબુસર તાલુકાના એક ગામની દીકરી રોજ જંબુસરમાં શાળાએ આવતી હતી. જંબુસર મુખ્ય બજારમાંથી રોજ પસાર થતી આ વિદ્યાર્થિનીને એક દુકાનદાર યુવક છેડતી કરતો હતો. છેલ્લા ત્રણ દિવસથી દુકાનદાર યુવકની છેડતીને લઈ છાત્રાએ સ્કૂલે જવાનો ઇન્કાર કર્યો હતો. મંગળવારે વિદ્યાર્થિનીના પરિવારજનોએ સમગ્ર બાબત પૂછતાં છાત્રા ધ્રૂસકે ધ્રૂસકે રડતાં પોતાની સાથે યુવક દ્વારા કરાતી હેરાનગતિ અને કોમેન્ટ્સ અંગે પરિવારને જણાવ્યું હતું. જેને લઈ પરિવારજનો આગબબૂલા થઈ ગયા હતા. દીકરીને સ્કૂલે મોકલી તેની પાછળ જ પરિવારજનો પણ નીકળ્યા હતા. જેવું જંબુસર મુખ્ય બજાર આવ્યું કે દુકાનદાર છેડતી કરવા જતાં પરિવારજનો અને પબ્લિકે યુવાનને બજારના મુખ્ય રસ્તા ઉપર બહાર લાવી તેની બરાબરની ધુલાઈ શરૂ કરી દીધી હતી.
મુખ્ય બજારમાં જ દુકાનદારની લાફા અને દંડા વડે બરાબરની ધુલાઈને લઈ અન્ય દુકાનદારો પણ વચ્ચે પડવા જતાં પબ્લિકે તેમને વચ્ચે નહીં પડવા ટકોર કરી હતી. હવે કોઈપણ છાત્રાની છેડતી કરશે કે? તેમ કહી પબ્લિકે યુવાનને 18થી 20 દંડા અને તમાચા મારી દીધા હતા. ઘટનાને લઈ બજારમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. એ સમયે જ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી તેનો વિડીયો વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ આ દુકાનદાર યુવક લઘુમતી કોમનો, જ્યારે છાત્રા હિન્દુ હોવાની વિગતો બહાર આવી છે. રાજકારણીઓ, વેપારીઓ વચ્ચે પડ્યા બાદ ઘટનામાં સમાધાન કરાવી દેવાની વિગતો બહાર આવી રહી છે.