ભરૂચ: ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ધાંણીખુટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ એક કેસ મળી આવતા આરોગ્ય ટીમ ભારે હરકતમાં આવી ગઈ છે. સાડા ચાર વર્ષના બાળકમાં તેના લક્ષણો દેખાતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો છે.
હજુ તો ભરૂચ જીલ્લાના નવ તાલુકામાં વાયરલ એન્કેફેલાઈટીસ (ચાંદીપુરા) રોગ માટે આરોગ્ય વિભાગે તકેદારી માટે કામ લાગી હતી ત્યાં તો ભરૂચ જીલ્લાના પૂર્વભાગમાં નેત્રંગ તાલુકાનું છેલ્લું ગામ ધાંણીખુટ ગામે સાડા ચાર વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા હતા. બાળકને ભારે તાવ આવવો સહીતના તમામ લક્ષણો દેખાતા તાબડતોબ વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કર્યો હતો. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરા, નેત્રંગના મામલતદાર રીતેશ કોકણી, ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ સહીત અધિકારીઓ ધાંણીખુટ પહોંચી ગયા હતા.
નેત્રંગ આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા અટકાવવા માટે લગભગ ૧૫ ટીમો ધાંણીખુટ ગમે સર્વે સહીત દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કરજણ નદી પર ધાંણીખુટ ધોધ રજાના દિવસે આખા દક્ષિણ ગુજરાતમાં પ્રવાસીઓ આવતા હોવાથી ચાંદીપુરા વાયરસ અટકાવવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવા જરૂરી જણાઈ રહ્યા છે.