વલસાડ: (Valsad) વલસાડ નજીકના અતુલ તથા સરોણ હાઇવે (Highway) ઉપર થયેલા બે અલગ અલગ અકસ્માતના (Accident) બનાવમાં ભરૂચના 2 અને સુરતના 1 મળીને કુલ 3ના મોત નીપજતા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- અતુલ તથા સરોણ હાઇવે ઉપર થયેલા બે અકસ્માતમાં ભરૂચ અને સુરતના 3ના મોત
- ભરૂચના બે મિત્રોનું હાઇવે ક્રોસ કરતી વખતે કાર અડફટે અને સુરતના યુવાનની કાર કન્ટેનર સાથે અથડાતા મોત નિપજ્યું
ભરૂચના મલ્હારગ્ર પાસે રહેતા ઉમેશભાઈ કરસનભાઈ ગઢવી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓ ટેમ્પો લઈને વાપીમાં રહેતો મિત્ર વિક્રમ શાહના ઘરે એમની સોસાયટીના 12 મિત્ર સાથે મળવા માટે આવ્યા હતા. મિત્રને મળી તેઓ પરત ભરૂચ જવા માટે નીકળ્યા હતા. હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વલસાડ અતુલ હાઇવે પર ભારત પેટ્રોલ પંપની સામે સુરત તરફ જવાના માર્ગ પર ટેમ્પોમાં પંચર પડતા તમામ મિત્રો નીચે ઉતરી પડ્યા હતા.
જ્યારે ભરૂચમાં રહેતા મયુર ગીરીશ બુચ અને મહાવીરસિંહ ભુપેન્દ્રસિંહ ચાવડા બંને મિત્ર હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પારડીના દમણી ઝાંપા પાસે રહેતા કાર ચાલક હાર્દિક કિશોર પ્રજાપતિએ પોતાની કાર પૂરઝડપે હંકારી મયુર અને મહાવીરસિંહને અડફેટે લીધા હતા. બંનેને ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં સુરતમાં રહેતો રાકેશ ધનસુખ મોદી વાપી અને સેલવાસ ખાતે વોડાફોન એજન્સી ચલાવે છે. એની સાથે નાનોભાઈ વિજય ધનસુખ મોદી એજન્ટ તરીકે કામ કરે છે. ગતરોજ સુરતમાં રહેતો સુલભ સુશિલ રાણા એની કાર લઈને ત્રણે જણા સાથે વાપી આવ્યા હતા. વાપી કામ પતાવીને પરત સુરત તરફ જઈ રહ્યા હતા, ત્યારે વલસાડના સરોઘી નેહાનં-48 સુરત તરફ જવાના માર્ગ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સુલભ રાણાએ પોતાની કાર પૂરઝડપે હંકારી લાવી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી આગળ ચાલતા કન્ટેનર સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. જેમાં પાછળ બેઠેલા વિજય મોદીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.