ભરૂચ: ઝાડેશ્વરના (Zadeshwar) નીલકંઠ મહાદેવ મંદિરની સામે આવેલી સર્વનમન વિદ્યામંદિર વર્ષ-2004થી કાર્યરત છે. આ રેસિડેન્સિયલ સ્કૂલમાં (School) 450 દીકરી અભ્યાસ (Study) કરે છે. હરિધામ સોખડા સંચાલિત આ સ્કૂલમાં મેનેજમેન્ટમાં બદલાવના એક મેસેજે (Message) વાલીઓને ચિંતામાં ગરકાવ કરી દીધા હતા. રેસિડેન્સિયલ સ્કૂલમાં 17 વર્ષથી કાર્યરત સાધ્વીબહેનોને હટાવી સોખડાથી 8 સાધ્વીબેનને મૂકી દેવાતાં વાલીઓએ રોષે ભરાઈ શાળામાં હંગામો મચાવ્યો હતો.
- ચાલુ સત્ર અને સામી પરીક્ષાએ 17 વર્ષથી કાર્યરત સાધ્વી બહેનોને હટાવવાના કારણે વાલીઓનો વિરોધ
- વાલીઓના હંગામાને ટાળવા પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી
અહીં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓનાં માતા-પિતા બુધવારે મોરચો લઈ શાળાએ પહોંચ્યાં હતાં. તમામે પ્રેમ સ્વામી અને ત્યાગ સ્વામીના જૂથે સ્કૂલ કબજો કરવાનો કારસો ઘડેલો છે તેવા આક્ષેપ કર્યો હતો. આ સાથે દીકરીઓની પરીક્ષા 17મીથી શરૂ થઈ રહી છે અને દીકરીઓની સેવામાં જે સાધ્વી બહેનો 17 વર્ષથી અહીં મૂકેલા છે એમને કાઢી મૂકવાની પેરવીના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.
સ્થાનિક સંચાલકોએ વાલીઓને મેસેજ છોડ્યા હતા કે, હરિધામથી 8 બહેનને બોલાવી નવી કમિટી રચાઇ છે. દીકરીઓ આનંદ કરી રહી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ એક મેસેજે વાલીઓની ચિંતા વધારી તેમને વિચારતા કરી દીધા હતા. વાળીઓના ટોળાએ શાળાએ પહોંચી મેનેજમેન્ટમાં ફેરફાર ચાલુ સત્રમાં કેમ કર્યા, વેકેશનમાં નવા સત્રમાં બદલાવ થઈ શક્યો હોત સહિતના સવાલોનો મારો ચલાવ્યો હતો. સામે પરીક્ષાઓ હોય ત્યારે ચાલુ સત્રમાં સ્ટાફ બદલવા સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
વિવાદને પગલે દરમિયાનગીરી કરવા સી-ડિવિઝન પોલીસે પણ દોડી આવવું પડ્યું હતું. જો કે, સ્થાનિક મેનેજમેન્ટે દીકરીઓનાં ભવિષ્ય, શિક્ષણ અને સલામતી માટે સંસ્થા દ્વારા નિર્ણય લેવાયો હોવાની સ્પષ્ટતા કરી હતી. આ વધારાનો સ્ટાફ સુવિધા અને સલામતી વધારવા મુકાયો હોવાની કેફિયત રજૂ કરાઈ હતી.