ભરૂચ: (Bharuch) આવતીકાલે રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) યોજાનાર છે ત્યારે ભરૂચના બંબુસર ગામમાં દુ:ખદ ઘટના બની છે. અહીં સરપંચ પદના ઉમેદવારનું નિધન (Death of Sarpanch candidate) થયું છે. જુમ્માની નમાઝ પઢતા હતા ત્યારે હાર્ટ એટેક (Heart Attack) આવી ગયો હતો. વર્ષોથી બિનહરીફ ચૂંટાઈ આવતા સરપંચ પદના ઉમેદવારનો જનાજો ચૂંટણીના એક દિવસ પહેલાં નીકળ્યો ત્યારે આખુંય ગામ ભીની આંખે તેમાં સામેલ થયું હતું.
ભરૂચના બંબુસર ગામમાં સરપંચના ઉમેદવારનું હાર્ટ એટેકમાં દુઃખદ નિધન થયું છે. ૨૦ વર્ષ બાદ પહેલીવાર બંબુસર ગ્રામ પંચાયતની ચુંટણી જંગ મંડાયો હતો. જોકે, ચુંટણી થાય એના બે દિવસ પહેલા જ સરપંચના ઉમેદવારનું હાર્ટએટેકથી મોત થતા માત્ર સરપંચપદની ચુંટણીનું મતદાન હાલ પુરતું મૌકુફ રખાયું છે.
તમને જણાવી દઈએ કે , ભરૂચ તાલુકાના બંબુસર ગામે ૨૦ વર્ષ બાદ પહેલી વખત ચુંટણીનો જંગ છેડાયો હતો. બંબુસર ગામમાં અંદાજે ૧૨૦૦ જણાની વસ્તીમાં ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઇસપભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈને આવતા હતા. તેમના કાર્યકાળમાં ગામમાં ગેટ, પેવર બ્લોક, રોડ-રસ્તાઓ, ગટરલાઈન સહીત વિકાસ કામો થયા હતા. જો કે આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણી આવતા નવા સમીકરણો રચાયા હતા. હાલમાં સરપંચપદ ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે ગામના પ્રતિસ્પર્ધી સઈદ સુલેમાન વલી પટેલ ઉમેદવારી કરી હતી.
દરમિયાન ઉસ્માનભાઈ પટેલ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ ઉસ્માનભાઈ પટેલને અચાનક હાર્ટ એટેક આવતા જ તેમનું નિધન થઇ ગયું હતું. રવિવારે મતદાન થાય એ પહેલા જ સરપંચના ઉમેદવાર ઉસ્માનભાઈનું દુઃખદ નિધન થતા લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
સરપંચના ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી પંચે બંબુસરમાં માત્ર સરપંચપદની ચુંટણીનું મતદાન હાલ પુરતું મૌકુફ કરવામાં આવ્યું છે. જયારે બંબુસર ગ્રામ પંચાયતના સરપંચપદને બાદ કરતા અન્ય૮ વોર્ડમાં ૧૩ ઉમેદવારોની ચુંટણી તા-૧૯મી ડિસેમ્બરે નિયત સમયસર ચાલુ રખાશે.