Dakshin Gujarat

ભરૂચમાં એકજ પરિવારના 3 લોકોના રહસ્યમયી મોત, પતિ-પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા, આપઘાતની આશંકા

ભરૂચ: (Bharuch) ભરૂચ રેલવે કોલોનીમાં રહસ્યમયી સામુહિક આપઘાતની (Suicide) ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી હતી. પતિએ પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ હાથ ધરી હતી.

મૃતકના નામ જતીન મકવાણા, કૃપલબેન મકવાણા અને ૧૦ વર્ષીય માસુમ બાળક વિહાન મકવાણા પરિવાર સાથે રહેતા હતા. મૃતક જતીન મકવાણા મૂળ રેલવેમાં ઈજનેર હોવાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોટર્મ રૂમ ખાતે પરિવારજનોના હૈયાફાટ રૂદનના કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસે ત્રણેય મૃતદેહના પોસ્ટમોટર્મ માટેની તજવીજ શરૂ કરાવી હતી. સામુહિક આપઘાતના ગંભીર બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ ઘટના પાછળનું કારણ બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે એક ચિઠ્ઠી મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસતંત્ર આખી ઘટનાને લઇ હજુ સત્તાવાર નિવેદન ન જાહેર કરતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.

તકરારે એક મકવાણા આખા પરિવારને હોમી દીધો
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચની રેલવે કોલોનીમાં રહેતો મકવાણા પરિવારમાં ગઈકાલે રાત્રે કોઈક અગમ્ય કારણોસર તકરાર થઈ હતી. આ ઘટનામાં બાદ પરિવારમાંથી પત્નીએ ઘરમાં લટકીને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની નિર્મમ હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. સામુહિક આપઘાતની આ ઘટનાના સમાચાર સમગ્ર ભરૂચ શહેરમાં વાયુવેગે ફેલાઈ ગયા છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

Most Popular

To Top