ભરૂચ: (Bharuch) સોશિયલ મીડિયાના (Social Media) જમાનામાં ઘણા દંપતીઓના લગ્નજીવનમાં તિરાડો પડી રહી છે અને છૂટાછેડા પણ થઈ રહ્યા છે. આવું જ એક દંપતી ફ્રી ફાયર ગેમના કારણે વિખેરાઈ ગયું છે, જેમાં મુંબઈ રહેતી પરિણીતાને ફ્રી ફાયર ગેમમાં જંબુસરના યુવક સાથે પ્રેમ થઈ જતાં પતિને છોડીને આવેલી પ્રેમિકાને પ્રેમીએ દગો કરી, તેણીને ઢોર માર મારી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં એક પીડિતાએ કોર્ટમાં ફરિયાદ કરી કહ્યું કે, હું એક બાળકની માતા છું. લગભગ ત્રણ વર્ષ પહેલાં મેં ઓનલાઈન ગેમ ‘ફ્રી-ફાયર’ ગેમ રમવાના ચક્કરમાં અજાણ્યા યુવક સાથે વાતચીત શરૂ થઈ હતી. એ યુવકે પોતે વિદેશમાં દોહા-કતારમાં કામ કરતો અને મૂળે જંબુસરના ભડકોદરા ગામનો આદિલ પટેલ હોવાની ઓળખ આપી હતી. બંને વચ્ચે ત્રણ વર્ષ સુધીના સંપર્કમાં યુવતીએ પોતે પરિણીત હોવાની જાણ પણ યુવકને કરી હતી.
જો કે, યુવકે મેસેજ થકી યુવતીને વાતોમાં ફસાવી કહ્યું હતું કે ‘હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા વગર ચાલે એમ નથી. મારે તારી સાથે જીવન વિતાવવું છે. જો તું મારા જીવનમાં ન આવી તો હું આત્મહત્યા કરી લઈશ’. આવી વાતો સાંભળી પ્રેમિકા ગભરાઈ ગઈ હતી. દરમિયાન બંને વચ્ચેના મેસેજો પરિણીતાના પતિએ મોબાઈલમાંથી જોઈ લેતાં તકરારો થતાં અંતે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની ઈચ્છાએ પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ બાળક લઈ પિયર ચાલી ગઈ હતી.
બાદ આદિલ પટેલે ત્યક્તા યુવતીને ભરૂચ બોલાવતાં તેણી ઘરના લોકોની જાણ બહાર તા.૧૮ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ભરૂચ આવી હતી. આદિલ પટેલ તેણીને જંબુસર ખાતે બસ ડેપો પાસે આવી જવાનું જણાવી તેને બાઈક પર બેસાડી ખેતર જેવી જ સુમસામ જગ્યા ઉપર લઈ ગયો હતો. જેથી ફરિયાદી ખૂબ ગભરાઈ ગઈ હતી. જો કે, આદિલ પટેલે મીઠી-મીઠી વાતોમાં ભોળવી, લગ્ન કરવાની લાલચ આપી યુવતી પાસે રહેલા ૩૫ હજાર રોકડા લઈ લીધા હતા. બાદ ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધવા ખેંચતાણ કરવા લાગતાં યુવતીએ તેને આવું કૃત્ય કરવાની સ્પષ્ટના પાડી દીધી હતી. જેથી આદિલે ગુસ્સામાં આવી યુવતીને છાતી, પેટ અને ગુપ્ત ભાગો ઉપર માર મારવા લાગતાં યુવતી બેભાન થઈ ગઈ હતી.
થોડા સમય બાદ યુવતી પર પાણીનો છંટકાવ થયો હોવાનું જણાતાં તે ભાનમાં આવતાં તેને ગુપ્ત ભાગ સાથે કંઈક અજૂગતું બન્યાનો અહેસાસ થયો હતો. હુમલાખોર પ્રેમીએ તેણીને મુખ્ય રસ્તા પર લાવી તેના ઘરના લોકોને પણ બોલાવી લેતાં યુવકના ઘરના લોકોએ પણ પીડિતાને ઢોર માર માર્યો હતો. આથી પીડિતાએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. આમ પોતાના બાળક સાથે પ્રેમીને અપનાવવાની ઈચ્છા ધરાવનાર પ્રેમિકા સાથે હવસખોર પ્રેમીએ દગો કરી માત્ર શરીરસુખ ભોગવવા માંગતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસ દ્વારા તેની ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી ન કરાતાં આખરે ૨૭ દિવસ પછી પીડિતાએ આદિલ પટેલ સામે બળાત્કારનો પ્રયાસ, ઢોર માર મારવો, મારી નાંખવાની ધમકી આપવી સહિતના અત્યાચારો અંગે ન્યાયની આશાએ વકીલ મારફતે ભરૂચ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.