અંકલેશ્વર: ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના (Bharuch Patel Welfare Hospital) ICU વોર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગી પાછળ લાઈટર જવાબદાર હોવાના મૃતક માધવીના ભાઈ જયના વિડીયોને મીડિયાએ વાચા આપી હતી. વેન્ટિલેટર નહીં ICUમાં લાઈટરને કારણે આગ (Fire) લાગ્યાના જયના વિડીયોથી મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ એજન્સીઓએ તપાસની (Investigation) દિશા બદલી છે.
લાઈટરથી આગ લાગી હતી કે નહીં તે જાણવા અને એ દિશામાં તપાસ કરવા સોમવારે ફરીથી FSLની ટીમ બોલાવવામાં આવી હતી. FSLએ આગમાં બળીને ભસ્મીભૂત થયેલા ICU વોર્ડમાં ફરી ઝીણવટભરી તપાસ કરી લાઈટરના પુરાવાઓ શોધવા સહિત પુરાવા મેળવવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ તપાસ અધિકારી ASP વિકાસ સુંડા દ્વારા મૃતક ટ્રેની નર્સ માધવીના ભાઈ જય પઢિયારે વિડીયો અને 3 ઓડિયો ક્લીપ જારી કરી આગ લાઈટરથી લાગી હોવાનો ઘટસ્ફોટ કરતાં બી ડિવિઝન PI બી.એમ.પરમાર સહિતની ટીમ જય પઢિયારના ઘરે પહોંચી હતી. જયે આગ લાઈટરથી લાગી હોવા અંગે જારી કરેલો તેનો પોતાનો 1 વિડીયો અને 3 ઓડિયો ક્લીપ પોલીસે તપાસ માટે તેની પાસેથી એકત્ર કર્યા હતા.
FSLની ફરીથી તપાસમાં એકત્ર કરેલા પુરવામાં જયના કહેવા મુજબ લાઈટરના કોઈ પુરાવા મળી આવે છે કે નહીં તેના પર નજર હવે સમગ્ર તપાસમાં કેન્દ્ર સ્થાને રહી છે. સાથે જ જય પાસેથી પોલીસે મેળવેલ ઓડિયો અને વિડીયોની પણ FSL અને સ્પેક્ટ્રોગ્રાફીથી તપાસ થઈ શકે તેમ છે. સાથે ઓડિયો ક્લિપમાં રહેલી નર્સ જયમીની સાથે ચાર્મીનાં ફરી નિવેદનો લેવાઈ તેને પણ હાલના તબક્કે નકારી શકાય નહીં. વેલફેર કોવિડ સેન્ટરમાં લાગેલી આગ બાદ હજી પણ કેટલા સવાલો જૈસે થે જ રહ્યા છે. ICU ના 2 વોર્ડ અને જનરલ 1 વોર્ડમાં કેટલા તબીબો અને અન્ય સ્ટાફની ડ્યૂટી હતી. કેટલી ટ્રેની નર્સો મુકાઈ હતી. ઘટના પહેલા તબીબી સ્ટાફ ક્યાં જતો રહ્યો હતો અને હોનારત બાદ પણ તે ક્યાં અને શું કરતો હતો તે બહાર આવ્યું નથી. હોસ્પિટલે પણ કુલ કેટલો સ્ટાફ કોવિડ સેન્ટરમાં ફરજ પર હતો તેનો ફોડ પાડ્યો નથી.
FSLના રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણી શકાશે
મીડિયાના રિપોર્ટસને ધ્યાનમાં લઈને જે વિગતો મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી, તેને ધ્યાનમાં લઈને ફરીથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. રિપોર્ટના આધારે ફોરેન્સિક ટીમે આધારભૂત પુરાવા મળી શકે તે માટે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. મૃતક નર્સનો ભાઈ જે એવિડન્સની વાત કરી રહ્યો છે તે પણ પોલીસે મેળવી ઓડિયો અને વિડીયો સાચા છે કે ખોટા તેનું ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન કર્યા બાદ સાચી વિગતો કહી શકાશે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સાચું કારણ શું છે તે જાણી શકાશે છે તેમ હાલ તપાસ અધિકારી વિકાસ સુંડા જણાવી રહ્યા છે.