ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૪૮ (National Highway No.48) પર આવેલા ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી ગઈ હતી. ભરૂચના માંચ નજીક ટ્રેલર સાથે અકસ્માત થતાં ટ્રકનો (Truck) કચ્ચરઘાણ વળી ગયો હતો.
- ભરૂચના માંચ નજીક ટ્રેલર સાથે અકસ્માત થતાં ટ્રકનો કચ્ચરઘાણ
- ટ્રેલરમાં ભરેલાં પાટિયાં રોડ ઉપર પડતાં ટ્રાફિક જામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફ લાકડાના પાટિયા ભરીને જઈ રહેલા એક ટ્રેલર પાછળ ટાઈલ્સ ભરેલી ટ્રક કોઈ કારણોસર ઘૂસી જતાં અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લાકડાના પાટિયા રોડ ઉપર પડતા કોઈ હોલીવુડ મૂવી જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. લગભગ વરેડિયાથી સાંસરોદ ગામ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અકસ્માતની જાણ થતાં એન.એચ.આઈ.એ.ના કર્મીઓ તેમજ પાલેજ પોલીસ, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા હતા. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.
બલેશ્વરમાં અજાણ્યા વાહનની અડફેટે બાઇકચાલકનું મોત
પલસાણા: પલસાણામાં રહેતો અને મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક ગત રવિવારે તેનું બાઇક લઇ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને કોઇ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે હંકારી લાવી અડફેટે લેતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સા૨વા૨ દ૨મિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર પલસાણા ગામે ગૌરવ ટાઉનશીપમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની સુરેશભાઇ ઘનશ્યામદાન ચારણ (ઉં.વ.૩૨) તનુશ્રી નામની મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત રવિવારે તેઓ બપોરના સુમારે મિલમાંથી જમવા માટે બાઇક નંબર જીજે ૧૯ એસી ૭૧૧૯ ઉ૫૨ ઘરે જઇ રહ્યા હતા. ત્યારે પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં લક્ષ્મીનારાયણ મિલના ગેટની સામે નેશનલ હાઇવે નં.૪૮ ૫૨થી પસાર થતી વખતે એક અજાણ્યો વાહનચાલક તેનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુરેશભાઇની બાઇકને અડફેટે લઇ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેને લઇ તેમના શરીરે ગંભીર ઇજા થતાં ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પલસાણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.