Dakshin Gujarat

ઉદ્ઘાટનનાં 24 કલાકની અંદર જ તસ્કરોએ પણ નર્મદા મૈયા બ્રિજનું ઉદઘાટન કરી નાંખ્યું

ભરૂચ: (Bharuch) ભરૂચની ભવ્યતા વધારતા રૂ.430 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા નર્મદા મૈયા બ્રિજના (Narmada Maiya Bridge) લોકાર્પણને 24 કલાક પણ થયા ન હતા અને તસ્કરોએ પણ રિબીન કાપી હોય તેમ 100 મીટર લાંબી LED લાઇટની (LED Light) ચોરી (Theft) કરી લીધી હતી. પોલીસે ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં રહેતા 2 આરોપીની રૂ.4500ની કિંમતની LED લાઈટ સાથે ધરપકડ કરી હતી.

ભરૂચને 2 દિવસ પહેલાં જ રૂ.430 કરોડના ફોરલેન નર્મદા મૈયા બ્રિજની ભેટ મળી છે. બે દિવસથી રાતે ભરૂચ અને અંકલેશ્વરની પ્રજા માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. સાંજ પડતાં જ બંને શહેરની પ્રજા પરિવાર સાથે બ્રિજ ઉપર અને નીચે લટાર મારવા તેમજ લાઇટિંગ અને ઊભા કરેલાં અન્ય આકર્ષણો સાથે સેલ્ફી લે છે. નર્મદા નદી ઉપર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણને 24 કલાક પણ ન થયા હતા, ત્યાં તસ્કરોએ LED લાઇટથી શણગાર કરવામાં આવેલી લાઈટો જ ચોરી કરી લીધી હતી. ઉદઘાટનના બીજા દિવસે જ બ્રિજ ઉપર લગાડેલી એલ.ઇ.ડી. લાઇટ અંદાજે 100 મીટર લાંબી કિંમત 4500 રૂપિયાની ચોરી કરી ગયા હતા.

સી ડિવિઝન પોલીસ મથકે LED લાઇટની ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે તરત જ આ બનાવ સ્થળની વિઝિટ કરી તપાસ કરતાં ચોરીમાં ગયેલી LED લાઇટના મુદ્દામાલ સાથે 2 આરોપી ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી નીચે રહેતા અજય શાંતુ વસાવા અને રાહુલ અનિલ રાવળની ધરપકડ કરી ચોરાયેલી 100 મીટર એલઇડી લાઈટ કબજે કરી છે. સાથે જ બુધવારથી ફ્લાયઓવરથી લઈ બ્રિજ સુધી પોલીસે પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત પણ વધારી દીધો છે. કેટલાક લોકોએ બ્રિજની પેરાફિટ ઉપર પાનની પિચકારીઓ પણ મારી છે. જ્યારે બ્રિજ ઉપર લગાવેલી અન્ય લાઇટિંગની શેરોને પણ લોકોએ સેલ્ફીઓ લેવાના ચક્કરમાં નુકસાન પહોંચાડ્યું હતું.

પહેલાં જ દિવસે 1.87 લાખનો ટોલ ટેક્સ બચાવી લીધો

દેશનો પહેલો 4 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યા બાદ હાઇવેની કાયમી ટ્રાફિક સમસ્યા 2017થી ક્યારેક ક્યારેક હંગામી બની રહેતી હતી. હવે નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થવાના પ્રથમ દિવસે જ 24 કલાકમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી ભરૂચ પાસેથી 7500 કાર અને ફોર વ્હીલર વાહનો ગાયબ થઈ ગયાં છે. જેમણે કેબલ બ્રિજના નિર્માણ બાદ માંડવા પાસે બનેલા નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા ખાતે પ્રથમ દિવસે જ 1.87 લાખનો ટોલ ટેક્સ બચાવી લીધો છે. સુરત કે વડોદરા તરફથી આવતાં વાહનો ભરૂચ કે અંકલેશ્વર આવતા NH 48 છોડીને OLD NH 8 ઉપર નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ડાયવર્ટ થઈ જતાં પ્રથમ દિવસે જ હાઇવે પર સરેરાશ 38000 જેટલાં નોંધાતાં વાહનો પૈકી 7500નું ભારણ ઘટી ગયું છે.

Most Popular

To Top