ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામનો પરિવાર અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. જ્યાં ખેડબ્રહ્મા માર્ગ પર સુકાઆંબા ગામ (Village) નજીક કૂતરું આડે આવી જતાં તેને બચાવવા જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું.
- અંબાજીથી દર્શન કરી પરત ફરતા ઉમરવાના દોશી પરિવારની કારને અકસ્માત, મહિલાનું મોત
- ખેડબ્રહ્મા માર્ગ ઉપર એકાએક આવી ગયેલા રખડતા કૂતરાને બચાવવા જતાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, પતિ ઘાયલ
- નર્મદાના ઉમરવા ગામની હાઈસ્કૂલના આચાર્ય પરેશ દોશીને ઇજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના ઉમરવા ગામની હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ શાંતિલાલ દોશી તથા તેમનાં પત્ની અમીતાબેન પરેશભાઈ દોશી સાથે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે સ્વિફ્ટ ડિઝાયર કારમાં દર્શન કરવા ગયો હતો. જ્યાંથી અંબાજી દર્શન કરીને પરત ફરતાં હતાં. દરમિયાન ખેડબ્રહ્મા માર્ગથી પર તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં અચાનક રખડતું કૂતરું આવી જતાં આ કૂતરાને બચાવવા જતાં ડ્રાઈવિંગ કરનાર પરેશભાઈ શાંતિલાલ દોશીએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
જેમાં કાર નં.(જીજે-૨૨-પી-૦૮૧૦) રોડની સાઈડ પરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેસેલા પરેશભાઈ શાંતિલાલ દોશીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમનાં પત્ની અમીતાબેન દોશીનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને પગલે 108 અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતગ્રસ્તોને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, 46 વર્ષીય મહિલા અમિતાબેન દોશીનું ઘટના સ્થળે જ મોત નીપજતાં નર્મદા જિલ્લાના દોશી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.