અંકલેશ્વર: ભરૂચની (Bharuch) જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલી લુકમાન પાર્ક (Luqman Park) સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર (Driver) તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી આમોદના આછોદથી પંદર જેટલી દુધાળી (Milkey) ભેંસો (Buffalos) ભરી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ અર્થે જઇ રહ્યા હતા. એ જ દરમિયાન ભરૂચથી અંકલેશ્વર તરફ ટ્રક જતા કેટલાક લોકોએ ટ્રકનો પીછો કર્યો હતો.ટ્રકના ચાલક જિશાન મન્સુરીને વાલિયા ચોકડી નજીક સુરેશ ભરવાડ સહિતનાં ટોળાએ રોકી ટ્રકમાં શું ભરેલું છે પૂછતાં ટ્રકના ચાલકે ટ્રકમાં ભેંસો ભરેલી હોવાનું જણાવ્યું હતું. જે બાદ ટ્રકના ચાલકે તેના માલિક સાથે વાત કરતાં તેઓએ ટ્રકને વાલિયા ચોકડી પોલીસ ચોકી પાસે ટ્રક લઇ જવા માટે જણાવ્યું હતું.
ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાર્યવાહી હાથ ધરી
દરમિયાન સુરેશ ભરવાડ અને અન્ય ઇસમોએ જિશાનને ટ્રકમાંથી નીચે પાડી દઇ તેને માર માર્યો હતો. સાથે જ લાકડી વડે ટ્રકના કાચ પણ તોડી નાંખ્યા હતા. ટ્રકના ચાલક જિશાન મન્સૂરીને માર મારતાં તેનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હતી. જે બાદ ટ્રકચાલક જીશાને અંકલેશ્વર શહેર પોલીસમથકે જાણ કરતાં પોલીસે સમગ્ર મામલા અંગે સુરેશ ભરવાડ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં મઢી બંધને મિશ્ર પ્રતિસાદ
બારડોલી: માલધારી સમાજ દ્વારા ચાલી રહેલ લડતની અસર સુરત જિલ્લામાં પણ અસર જોવા મળી હતી. બારડોલીના મઢી ખાતે માલધારી સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે બજારના કેટલાક વેપારીઓએ આજરોજ દુકાનો બંધ રાખતાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.મઢી ગામે માલધારી સમાજ દ્વારા બુધવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા વ્યાપારીઓને સમર્થન માટે શાંતિપૂર્ણ રીતે અપીલ કરવામાં આવી હતી.
ગોચર ઉપર થયેલાં દબાણ પશુઓ માટે ખુલ્લા કરવામાં આવે
જેના ભાગરૂપે બુધવારે મઢીના કેટલાક વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા. માલધારી સમાજ વહેલી સવારે દુકાનો નહીં ખૂલે એ માટે સંખ્યામાં બજારમાં એકત્ર થયો હતો. અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. ઢોર નિયંત્રણ બિલ સરકાર પાછું લે તેમજ ગોચર ઉપર થયેલાં દબાણ પણ પશુઓ માટે ખુલ્લા કરવામાં આવે એવી પણ માલધારી સમાજે માંગ કરી હતી.