ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ: (Bharuch) ઓલપાડના મોર ગામના રત્નાકર સોલ્ટમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા અશોક મનસુખ બામણિયા મજૂરો લેવા માટે તેમની ભાજપ (BJP) મહિલા મોરચા પ્રમુખનું સ્ટિકર લગાવેલી વેન્ટ્રો કાર નં.(GJ-૧૬ BB-૨૯૭૫) લઇ નીકળ્યા હતા. તેઓ ઓલપાડ થઇ વડોલી વાંક પાસેથી હાંસોટ તરફ આવી રહ્યા હતા. એ વેળાં એક બાઇક (Bike) પર ત્રણ શખ્સે તેમની કારને ઓભા-પાંજરોલી ગામ પાસે રોકી હતી. જે પૈકી બાઇક પર પાછળ બેસેલા બે શખ્સોએ તેમને કોસંબા જતાં હોય તો લિફ્ટ (Lift) માંગતાં બંનેને તેમણે કારમાં બેસાડ્યા હતા. થોડે દૂર જતાં મને ફેર ચઢે છે તેમ કહી એક શખ્સ આગળની સીટ પર બેસવા આવી ગયો હતો. જે બાદ પાછળ બેસેલા શખ્સે પિસ્તોલ જેવા હથિયારનો પાછળનો ભાગ અશોક બામણિયાના માથામાં મારી દઇ કાર ઊભી કરાવી તેનું કારમાં જ અપહરણ (Kidnapping) કરી લીધું હતું.
બંને શખ્સોએ તેનો મોબાઇલ, એટીએમ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ તથા રોકડા રૂ.૧૫૦૦ સહિતનો સામાન લૂંટી લઇ કીમ થઇ કામરેજ ટોલનાકા પાસેની એક હોટલ સુધી તેમને બંધક બનાવી લઇ ગયા હતા. તેમનાં એટીએમના પાસવર્ડ માંગી એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડી લીધા હતા. બાદ રંગોલી ચોકડીથી હાઇવે પર આવેલી રાજ હોટલ પાસે તેને ધક્કો મારી કારમાંથી બહાર ઉતારી દઇ કારની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. અશોકભાઈ બામણિયાને બંધક બનાવવા સાથે તેમનાં એટીએમ-રૂપિયા તથા ભાજપ મહિલા મોરચા પ્રમુખનું સ્ટિકર લગાવેલી કાર સહિતની લૂંટને અંજામ આપ્યો હતો. બંને એકબીજાને જય અને રવિ નામથી હિન્દી ભાષામાં વાત કરતાં હિન્દીભાષી અપહરણકર્તા હોય એવો અંદેશો વ્યક્ત કરાયો છે. આ બાબતે અશોકભાઈએ હાંસોટ પોલીસને ફરિયાદ કરતાં રૂ.૨.૫૦ લાખની કાર, ડીકીમાં રૂ.૩ લાખ, એક મોબાઈલ ફોન રૂ.૩૦૦૦ તેમજ રોકડા રૂ.૧૫૦૦, HDFC અને SBIની ચેકબુકો મળી કુલ રૂ.૫,૫૪,૫૦૦ની મત્તાની લૂંટ કરી ભાગી જતા ચાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
કારની ડીકીમાં ત્રણ લાખ રૂપિયા રોકડા અંગે લુંટારુ અજાણ હતા
પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અશોકને માર મારી ધમકાવીને રૂપિયાની માંગણી કરી હતી. જો કે, તેમણે પોતે દેવાદાર હોવાથી રૂપિયા ન હોવાનું કહી લુંટારુઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લુંટારુઓ તેમનો મોબાઇલ, એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત કારની લૂંટ કરી ભાગી ગયા હતા. અશોકભાઈ બામણિયાને પાલનપુર પાટિયા ખાતે રહેતા શેઠ કમલેશ પરીખે મજૂરોને આપવા માટે રૂ.3 લાખ આપ્યા હતા. જે તેમણે કારની ડીકીમાં મૂક્યા હતા.