ભરૂચ: આખા ભરૂચ (Bharuch) જિલ્લામાં ખંડણી ઉધરાણીના બનાવો અનેક જોયા હશે, પણ ભરૂચ જિલ્લામાં હવે જેલરના નામે ખંડણી ઉઘરાવતો હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે. એક ગઠિયાએ આરોપીના પરિવારને ફોન (Call) કરી જેલરની ઓળખ આપીને જેલમાં રહેનારા તમારા સંબંધીને હેરાન કરવાની ધમકી (Threat) આપવા સાથે રૂપિયાની (Money) માંગણી કરતા હોવાની સ્ફોટક ઘટના બહાર આવી છે. જો કે, આવી ઘટના ૯૦ દિવસમાં બીજી બની છે. આવો ઓડિયો સામે આવતાં જેલરે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
હાલમાં અંકલેશ્વર પંથકમાં એક હોટલ ઉપર પનીરની સબ્જી લેવા આવેલ ગ્રાહક સાથે હોટલના વેઈટરોએ મારામારી કરતાં ગ્રાહકનું મોત થયું હતું અને પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરી હોટલના બે વેઇટરોની ધરપકડ કરી હતી અને બંને આરોપીને અંકલેશ્વરની તાલુકા સબજેલમાં લવાયા હતા. જેલમાં રહેલા ૨ આરોપીના ભાઈ ઉપર એક ગઠિયાનો એવો ફોન આવ્યો કે, ભરૂચ જિલ્લા જેલમાંથી જેલર ઝાલા સાહબ બોલ રહા હું, ઓમ પ્રકાશજી યાદવ બોલ રહે હો…ગઠિયાએ જેલરની ઓળખ આપી તુમ્હારા દો ભાઈ જેલ મેં હૈ. ઉનકી સુવિધા હમને કિયા હૈ. દોનો કા ટિફિન ચાલુ કિયા હૈ, આપકો મહિને કા ૬-૬ હજાર ગૂગલ પે કરના પડેગા.
ગઠિયાની ટેલિફોનીક વાતમાં વિશ્વાસમાં આવતાં આરોપીના ભાઈએ કહ્યું કે, મેં જેલ પે આ કે આપકો દે જાતા હું. એ વખતે મોબાઈલ પર ગઠિયાએ કહ્યું, નહીં google pay હી કરના પડેગા. વરના તુમ્હારે ભાઈ કો જેલ મેં પરેશાન કરવા દુંગા કહી રૂપિયા પડાવવાના પ્રયાસો કર્યા હતા. આખરે નકલી જેલરના મોબાઈલનું ઓડિયો રેકોર્ડિંગ થતાં આરોપીના ભાઈ પાસે રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.
આ મુદ્દે અંકલેશ્વર તાલુકા સબજેલના જેલર સુરપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ વ્યાજખોરીના ગુનામાં આવેલા એક આરોપીની પત્નીને આવા જ એક ગઠિયાએ ફોન કરી google pay પરથી ૨૫ હજાર ખંખેરતાં અંકલેશ્વર એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો હતો. બાદ હાલમાં બીજો કિસ્સો બન્યો છે, જેમાં ફોન પર ગઠિયાએ દ્વારા તરકટથી જિલ્લા જેલરની ઓળખ આપી રૂ.૧૨ હજાર પડાવવાના પ્રયાસો કર્યા હતા. આ બાબતે અમે અંકલેશ્વર મામલતદાર તેમજ ભરૂચ SPને જાણ કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.