ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની પૂર્વ પટ્ટી ખનન માફિયાઓ (Mining Mafia) માટે ફેવરિટ બની છે. ખાણ-ખનીજ (Mines and Minerals) વિભાગે (Department) પૂર્વ વિસ્તારના અંગારેશ્વર ગામમાં છાપો મારી ગેરકાયદે (Illegal) રેતીખનન (Sand Mining) ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં ચાર કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રીની બદલી થતાં મદદનીશ નિયામક નરેશ જાનીને ચાર્જ સોંપાયો છે. ત્યારે મંગળવારે નરેશ જાની અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર તેમજ તેમની ટીમે પૂર્વ પટ્ટીના અંગારેશ્વર ગામમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ પર રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગે ૪ હિટાચી મશીન, ૧ બાજ, ૭ નાવડી અને ૩ ડમ્પર મળી ૪ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગેરકાયદે પ્રવૃત્તિ યોગેશ માલાની અને નીતિશ જોશી ચલાવી રહ્યા હોવાનું ખાણ-ખનીજ વિભાગે જણાવ્યું હતું.
માંડવીના તડકેશ્વરમાં 6 લાખનાં ડ્રમ ચોરીનો ભેદ ઉકેલાયો
પલસાણા: માંડવી પોલીસમથક વિસ્તારમાં આવેલા તડકેશ્વર ગામેથી ૬ લાખથી વધુના કેબલોનાં ડ્રમની ચોરીની ફરિયાદ માંડવી પોલીસમથકે નોંધવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલા ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે કડોદરા આવવાના હોવાની બાતમીના આધારે કડોદરા પોલીસે ૩ આરોપીને ઝડપી પાડી ૧૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસમથકની હદમાં આવેલા તડકેશ્વર ગામેથી ૬ લાખથી વધુના કેબલનાં ડ્રમોની ચોરીની ફરિયાદ માંડવી પોલીસમથકે નોંધાઈ હતી. ત્યારે મંગળવારે કડોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, માંડવીમાં કેબલ ચોરી કરનારા ઇસમો કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અકળામુખી હનુમાન મંદિરની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ભેગા થયા છે.
કડોદરાથી ૧૧ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
આ બાતમીના આધારે કડોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી દિનેશ વિશ્વનાથ પરિહાર (ઉં.વ.૨૭) (૨હે.,પાંડેસરા, મૂળ-ઉત્તર પ્રદેશ), કિશોર વલ્લભ માણીયા (ઉં.વ.૩૫) (રહે.,સરથાણા જકાતનાકા, સુરત, મૂળ રહે.,બોટાદ) તેમજ વિકાસ ઉર્ફે ચિરંજીવ દિનેશ સોનકર (ઉં.વ.૩૧) (રહે.,વરાછા, સુરત, મૂળ રહે., ઉત્તર પ્રદેશ)ને ઝડપી તેમની પાસેથી કેબલ વાયરનાં બે ડ્રમ કિંમત રૂ.૬,૧૦,૧૨૨ રૂપિયા, એક ટેમ્પો નં.(જીજે ૧૯ એક્સ ૯૯૪૭) કિંમત પાંચ લાખ તેમજ મોબાઇલ ફોન નંગ-૩ કિંમત ૨૦,૫૦૦ મળી કુલ ૧૧,૩૦,૬૨૨ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.