ભરૂચ: ભરૂચમાં (Bharuch) એક તરુણી તેના મામાના પુત્ર સાથે હોટલમાં (Hotel) પાર્સલ (Parsal) લેવા ગઇ હતી. એજ સમયે તુલસીધામ વિસ્તારના એક યુવાન અને તેના સાગરિતોએ તેણીની છેડતી કરી હોવાની ગુસ્તાખી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એટલુંજ નહિ રોમિયોએ મોપેડ ઉપર તેમનો પીછો કરી અશ્લીલ હરકતો કરતાં મામલો ગરમાતાં ચારેય છેલબટાઉ યુવાનોએ તરુણી અને તેના ભાઇ પર હુમલો કરતાં આખો બનાવ ભરૂચ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. ભરૂચ વિસ્તારમાં છેડતીના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે તેવું પણ આ ઘટના ઉપરથી ફલિત થઇ રહ્યું છે.જેની સામે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પણ સપાટી એ આવી ગઈ છે.
તરુણીના ભાઈએ વિરોધ કર્યો તો તેની ઉપર પણ હુમલો કર્યો
ભરૂચ શહેરને અડીને આવેલા એક ગામમાં રહેતી અને અભ્યાસ કરતી તરુણી ગઇકાલે રાત્રિના સમયે તેના મામાના પુત્ર સાથે હોટલ ખાતે ગઇ હતી. જ્યાંથી તેમણે પાર્સલ ખરીદી તેમની ગાડી પર પરત ઘર તરફ આવી રહ્યા હતા. એ વેળા તુલસીધામ ખાતે રહેતો ઋષભ વસાવા તેમજ મહાદેવનગરનો સ્વપ્નિલ તથા અન્ય બે સાગરિતે અલગ અલગ એક્ટિવા પર તેમનો પીછો કરવા સાથે ચાલુ ગાડીએ તરુણીને અશ્લીલ હરકત કરી હેરાન કરતા હતા. જેના પગલે તરુણીએ તેમજ તેના ભાઇએ તેમને ટોકવા જતાં ચારેય ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો.
અપરાધીઓ સામે પોક્સો એક્ટનો ગુનો નોંધાયો
દરમિયાનમાં ઋષભે તેની પાસેની તલવારથી મારી ઇજા કરી હતી. બંનેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બનાવને પગલે તરુણીએ ભરૂચ સી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.