અંકલેશ્વર: ભરૂચ (BHARUCH)ની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના (CORONA ICU) સેન્ટરમાં લાગેલી આગ (FIRE)માં 16 દર્દી અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ જવાની કમભાગી ઘટનામાં 11 મીએ હાઇકોર્ટ (HIGH COURT)ની ગાજ બાદ 24 કલાકમાં જ બેજવાબદાર ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો સામે ગંભીર ગુનાઇત નિષ્કાળજી બદલ ASP એ જાતે ફરિયાદી બની FIR દાખલ કરવામાં આવી છે.
અગ્નિકાંડની તપાસ પૂર્વ જસ્ટિસ ડી.એ.મહેતા પંચને રાજ્ય સરકારે આપી હતી. દરમિયાન હાઇકોર્ટમાં 11 મીએ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેલફેર આગની ઘટનામાં જવાબદારી નક્કી કરવા ટકોર કરી સંબંધિત તંત્ર અને જવાબદારોને જોડી નોટિસ આપવા પણ જણાવાયું હતું. જેની વધુ સુનાવણી 25 મે રાખવામાં આવી છે. હાઈકોર્ટની 11 મીના રોજ સુનાવણીના 24 કલાકની અંદર જ આ હોનારતમાં ભરૂચ ASP વિકાસ સુંડાએ ફરિયાદી બની બી ડિવિઝનમાં પટેલ વેલફેર હોસ્પિટલ કોવિડ હોસ્પિટલની દુર્ઘટનામાં મુખ્ય ટ્રસ્ટી ખાલીદ પટેલ (ફાંસીવાલા), અન્ય ટ્રસ્ટીઓ તેમજ અન્ય સામે ગંભીર બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાવ્યો છે. બી ડિવિઝનમાં ASPએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન સંબંધીત અલગ અલગ વિભાગો પાસેથી અહેવાલ-અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા. ભરૂચ–અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (BAUDA), ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય અગ્નિ નિવારણ સેવા–રિજનલ ફાયર ઓફિસર સુરત (RFO), પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા (FSL) સુરતે સ્થળ તપાસ કર્યા બાદ 16 જેટલી ખામી, બેદરકારી બહાર આવી હતી.
કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી, ભરૂચના સંચાલકોને પટેલ વેલફેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી જૂની બિલ્ડિંગ કે જે વેલફેર હોસ્પિટલ-ભરૂચ અને રિસર્ચ સેન્ટર તરીકે ઓળખાય છે, જેમાં ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી. જો કે, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના આ જ કમ્પાઉન્ડમાં આવેલા નવા બિલ્ડિંગમાં BU સર્ટિફિકેટ મેળવ્યા વિના FIRE SAFETY માટેની નક્કી થયેલાં ધારાધોરણો મુજબના આગ નિયંત્રક ઉપકરણો ગોઠવ્યા વિના, ફાયર વિભાગના NOC વિના તથા નવા બિલ્ડિંગમાં વહીવટી નીતિ–નિયમોનો ભંગ કરી ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરી અકસ્માતે આગમાં મોટી જાનહાનિ થઇ શકે તેવી ગંભીર નિષ્કાળજી દાખવી છે.