ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરમાં બાકી કામો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જેમાં ભરૂચ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વેળા માટી (Clay) ધસી પડતા બે કામદારો દબાતા અફરાતફરી મચી ગઇ હતી.
સોમવારે બપોરના સુમારે કુકરવાડા જવાના માર્ગ ઉપર ગેલાની તળાવ નજીક ખોદકામની કામગીરી ચાલી રહી હતી. જે વેળા અચાનક માટી ધસી પડતા બે મજૂરો દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ બૂમાં બૂમ કરી મુક્તા તાત્કાલિક પાલિકા ફાયર ફાઈટરો અને ૧૦૮ને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આસપાસ રહેલા લોકોની સહાયથી બન્ને કામદારો સુરેશ વસાવા અને પવન વસાવાને બહાર કાઢ્ય હતા. એમ્બ્યુલન્સમાં અર્ધ બેભાન અવસ્થામાં એક કામદારને વેલફેર હોસ્પિટલ અને બીજાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેની તબિયત સ્વસ્થ હોવાની માહિતી સામે આવી હતી.
ડુંગરા દમણગંગા ખાડીમાં ન્હાવા પડેલા બીજા યુવાનની લાશ 24 કલાક બાદ મળી
વાપી : વાપીના ડુંગરા હરિયાપાર્કની પાછળથી પસાર થતી દમણગંગા ખાડીમાં રવિવારે બપોરે ન્હાવા પડેલા બે યુવાન ડુબી ગયા હતા. વાપી નગર પાલિકા, નોટિફાઈડના ફાયર લાશ્કરોએ અને ચંદ્રપુરના તરવૈયાઓએ બન્ને લાપત્તા યુવાનની શોધખોળ આદરી હતી. જેમાં શોધખોળ દરમિયાન રવિવારે એક યુવાનની લાશ મળી આવી હતી. જ્યારે બીજાની કોઈ ભાળ મળી ન હતી. જોકે, ડુંગરા પોલીસની રાહબરી હેઠળ ચાલુ વરસાદે પણ લાપત્તા બીજા યુવાનની શોધખોળ ચાલુ રાખ્યા બાદ સોમવારે બપોરે 1 કલાકે બીજી લાશ મળી આવી હતી. પોલીસે કબજો મેળવી પીએમ કરાવી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાઈ છે.
વાપીના હરિયાપાર્કની પાછળથી પસાર થતી દમણગંગા નદીની ખાડીમાં રવિવારે બપોરે ડુંગરાના દાદરીમોરાના બે યુવાનમિત્ર અજીત ઉદરસિંહ ચૌહાણ (ઉવ.19) અને બબુકુમાર વિરેન્દ્ર વાલ્મિકી (ઉવ.૨૪) ન્હાવા કૂદી પડ્યા હતા. ખાડીમાં આ બંને મિત્રો ડૂબી ગયા હતા. પોલીસ નિરીક્ષણ સાથે વાપી નોટીફાઈડ, પાલિકાના ફાયરના લાશ્કરો અને ચંદ્રપુરના તરવૈયાઓએ તાત્કાલિક ધસી આવી ખાડીમાં બંને યુવાનની શોધખોળ આદરી હતી. જેમાં ગતરોજ સાંજે 6 કલાકે બે યુવાન પૈકી અજીત ઉદરસિંહ ચૌહાણની લાશ લાશ્કરોને હાથ લાગી હતી. જોકે, લાપત્તા બીજા યુવાન બબુકુમાર વાલ્મિકીની શોધખોળ ચાલુ રાખી હતી. સોમવારે બપોરે 1 કલાકે બીજા લાપત્તા યુવાન બબુકુમાર વિરેન્દ્ર વાલ્મિકીની લાશ મળી આવી હતી. ડુંગરા પોલીસના હેકો.પરસોત્તમભાઈની ટીમની સતત દેખરેખ હેઠળ ફાયર લાશ્કરો અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ બીજા યુવાનની લાશ મળ્યા બાદ પોલીસે તેનો કબજો મેળવી પીએમ કરાવી લાશને હાલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાઈ છે. મંગળવારે મૃતક બબુકુમારના પરિવારજનો આવ્યા બાદ લાશ તેમને સોંપી દેવાશે, તેવું ડુંગરા પોલીસના હેકો. પરસોત્તમભાઈએ જણાવ્યું હતું.