ભરૂચ: (Bharuch) જંબુસર પોલીસે રાત્રે હોમગાર્ડની (Home Guard) નોકરીની સાથે દારૂની હોમ ડિલિવરી કરતા હોમગાર્ડને રંગેહાથ ઝડપી લીધો હતો. જંબુસરમાં રહેતો રાહુલ પરમાર દરજી કામ કરવા સાથે હોમગાર્ડ તરીકે પણ ફરજ બજાવતો હતો. જો કે આ ભાઈ બુટલેગર પાસેથી દારૂ (Alcohol) ખરીદી તેની હોમ ડિલિવરીનો પણ વેપલો કરે છે. હોમગાર્ડની એક્ટિવાની ડિકીમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી.
- જંબુસરમાં હોમગાર્ડની નોકરી સાથે દારૂની હોમ ડિલીવરી કરતો જવાન ઝડપાયો
- બાતમીને આધારે પોલીસની કાર્યવાહી, હોમગાર્ડની એક્ટિવાની ડિકીમાંથી દારૂની બે બોટલ મળી, દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ
જંબુસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કપાસિયા પુરાના રાહુલ મુકુંદભાઈ પરમાર અંગત ફાયદા સારું ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને પોતાની એકટીવામાં જ દારૂ લઈ જઈ મહાપુરાવાળા રોડ ઉપર આપવા આવે છે. જંબુસર પોલીસ વોચમાં ગોઠવાઈ હતી, જે વેળા બાતમીવાળી એકટીવા આવતા તેને ઉભી રાખેલ અને ચેક કરતા ડેકીમાંથી વિદેશી દારૂની બે બોટલ તથા અંગજડતીમાં મોબાઇલ મળી આવ્યા હતાં. પોલીસે રૂ.૩૦૦૦/- ની દારૂની બે બોટલ અને મોબાઈલ મળી કુલ રૂ.૮૦૦૦/-ના મુદ્દામાલ સાથે હોમગાર્ડ રાહુલ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે મલેક હનીફ (રહે જંબુસર)નો આ આરોપીને દારૂ પહોંચાડતો હતો. જે અંગે જંબુસર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જુનાથાણા સર્કલ પાસેથી 27 હજારના દારૂ સાથે મહિલા ઝડપાઈ
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે જુનાથાણા સર્કલ પાસેથી 27 હજારના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે જાહેર રોડ પરથી એક મહિલાને રોકી તપાસ કરતા તેમની પાસેથી 27,375 રૂપિયાની વિદેશી દારૂની 219 નંગ વિદેશી દારૂના પાઉચ મળી આવતા સુરત વરાછા લંબે હનુમાન રોડ પાસે બોમ્બે માર્કેટ દલિત વસાહત ઝૂપડપટ્ટીમાં રહેતી લલીતાબેન જયંતીભાઈ મકવાણાને ઝડપી પાડી હતી. પોલીસે લલીતાબેનની પૂછપરછ કરતા જુનાથાણા મતિયા પાટીદારની વાડી સામે રહેતા દિપક ધનસુખ પટેલે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દિપક પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.