ભરૂચ જીલ્લામાં ગુરૂપૂર્ણિમાના દિવસથી સોમવાર સુધીના ૧૮ કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ૧૮ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સવા પાંચ ઇંચ, વાલિયામાં સાડા ત્રણ ઇંચ, ભરૂચ નેત્રંગ અને ઝઘડિયામાં અઢી ઇંચ, હાંસોટમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસાદ પડતા અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરમાં વરસાદને કારણે કેટલીક શાળાઓએ બપોર બાદ નીચાણવાળા વિસ્તારમાં રહેતા બાળકોને રજા આપી દીધી હતી. બે દિવસના વરસાદથી બલદેવા ડેમ ૯૫ ટકા પાણી ભરાતા ઓવરફલો સપાટીની નજીક આવી ગયો છે. પીંગોટ ડેમ ૫૫.૭૧ ટકા અને ધોલી ડેમમાં ૮૪.૧૨ ટકા પાણી સંગ્રહ થયો છે. હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં “રેડ એલર્ટ” જાહેર કર્યું છે જેને લઈને વહીવટી તંત્ર સાબદું થઇ થયું છે.
ગુરુપૂર્ણિમા દિવસેથી જ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર મેઘ મહેર થતા નદી નાળા અને તળાવોમાં પાણી આવી ગયા છે. રવિવારે રાત્રે જ સાંબેલાધાર વરસાદથી ખાસ કરીને અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવાર અને સોમવારે ૧૮ કલાકમાં જ અંકલેશ્વરમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચ નગરમાં વરસાદને લઈને સેવાશ્રમ રોડ અને કસક વિસ્તારમાં પાણી ભરાયા બાદ થોડા સમયમાં તેનો નિકાલ થઇ ગયો હતો. ભારે વરસાદને લઈને અંકલેશ્વર શહેરમાં ગોલવાડમાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો જો કે કોઈ જાનહાની કે ઈજા થઇ ન હતી. અંકલેશ્વરમાં જલારામનગર સોસાયટી અને રાજેશનગર સોસાયટીના મેઈન રોડ પર પાણી ભરાયા હતા. તેમજ સંજયનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. પીંગોટ ડેમમાં પાણીની સપાટી ૧૩૭.૧૫ મીટર,બલદેવા ડેમ ૧૪૧.૨૦ અને ધોલી ડેમ ૧૩૪.૭૦ મીટર થઇ ગઈ છે. ત્રણેય ડેમમાં ઓવર ફલો સપાટી પૈકી બલદેવા ડેમમાં ૧૪૧.૫૦ મીટર હોવાથી માત્ર ૩૦ સેન્ટીમીટર નીચે છે.
ભરૂચ જીલ્લામાં તમામ તાલુકામાં રવિવારે સાંજે ૬થી સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધીનો વરસાદ
આમોદ તાલુકામાં ૧૪ મીમી, સૌથી વધુ અંકલેશ્વરમાં ૧૩૪ મીમી, ભરૂચમાં ૬૪ મીમી, ઝઘડિયામાં ૬૦ મીમી,જંબુસરમાં ૭ મીમી, વાલિયા માં ૨૩ મીમી,હાંસોટમાં ૪૯ મીમી, નેત્રંગમા ૫ મીમી વાગરામાં ૪૪ મીમી, અને વાલિયામાં ૯૦ મીમી