ભરૂચ: (Bharuch) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસેને “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસ (International Yog Day) તરીકે ઉજવવામાં આવે છે .ભારત સરકાર તથા રાજય સરકાર દ્રારા “માનવતા માટે યોગા” ના થીમ સાથે તા.૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે.
જે અનુસંધાને ભરૂચ જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ (Golden Bridge) ખાતે રાખવામાં આવેલ છે. ગોલ્ડન બ્રીજ ખાતે યોગ દિવસની ઉજવણીમાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર હોય જેથી તા.૨૦/૦૬/૨૦૨૨ના રોજ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કામગીરી કરવા સારૂ તા.૨૦/૦૬/૨૦૨૨ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૬/૨૦૨૨ના રોજ યોગ દિવસની ઉજવણી પૂર્ણ થતાં સુધી તા.૨૧/૦૬/૨૦૨૨ ના બપોરના ૧૨:૦૦ કલાક સુધી ગોલ્ડન બ્રીજ ઉપરથી દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
જેથી તા.૨૦/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાક થી તા.૨૧/૦૬/૨૦૨૨ ના બપોરના ૧૨:૦૦ કલાક સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે ગોલ્ડન બ્રીજ ઉપર દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ”ગોલ્ડન બ્રીજ’ ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતા આ વાહનો “નર્મદા મૈયા'”બ્રિજ પરથી અવર- જવર કરી શકાશે.
વ્યારાના દક્ષિણાપથમાં નિઃશૂલ્ક વોર્મઅપ યોગા શિબીર યોજાયો
વ્યારા: આગામી ૨૧ જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”નો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે આર્ટ ઓફ લીવીંગ દ્વારા આજે તા.૧૮થી ૨૦ જુન સુધી વ્યારાના દક્ષિણાપથમાં સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી નિઃશૂલ્ક યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વઢવાણિયા, યોગ સેશનના ફેકલ્ટી ડૉ.કામિનીબેન પટેલ અને ડૉ જૈમિન ચૌહાણ દ્વારા યોગના વિવિધ આસનો સાથે યોગ સેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેશનમાં જિલ્લા કલેક્ટર એચ. કે. વઢ્વાણિયા સહિત સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર તેમજ અન્ય અધિકારીઓ તથા યોગ પ્રિય નગરવાસીઓ ઉપસ્થિત રહી યોગ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી ડૉ.કામિનીબેન તથા તથા ડૉ જૈમિન ચૌહાણ દ્વારા પ્રથમ દિવસે ઉપસ્થિત તમામ લોકોને ૨૧ જૂન માટે બોડી વોર્મઅપ કરાવી પ્રાણાયમ તથા વિવિધ આસનો કરાવ્યા હતા. તેમણે તમામ નગરવાસીઓને આપીલ કરતા જણાવ્યું હતુ કે, યોગ અને આયુર્વેદને જીવનમાં અપનાવીશુ તો રોગોથી દુર રહીશું. યોગ અને આયુર્વેદને રોજિંદા જીવનમાં ઉતારી શરીર અને મનને શુદ્ધ કરીને આગળ વધવુ જોઇએ. આ નિ:શુલ્ક યોગા સેશનમાં તમામ ગ્રામજનો અને વ્યારા નગરવાસીઓ ઉત્સાહભેર જોડાય તેવી તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.