ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરિવારની સગીરા ગુમ (Missing) થયા બાદ મળી આવી હતી અને તેણીએ માતા-પિતા સાથે રહેવું નથી તેમ કહેતા તેણીને નારી કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. નારી કેન્દ્રના સંચાલકો પ્રોસિજર પ્રમાણે તેના મેડિકલ ચેકઅપ (Medical Checkup) માટે સિવિલમાં લાવતા તે સિવિલ હોસ્પિટલમાંથી (Hospital) પણ રફુચક્કર થઈ ગઈ હતી. જેના કારણે પોલીસ અને નારી કેન્દ્રના સંચાલકો મૂંઝવણમાં મૂકાઈ ગયાં છે.
- ઘરેથી ભાગી, પછી મા-બાપ સાથે રહેવા ઈન્કાર કરતાં નારીગૃહમાં મોકલાઈ તો દીકરી ત્યાંથી પણ ભાગી છૂટી
- દાહોદથી રોજગારી મેળવવા પરિવાર આવેલો પરિવાર વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં રહેતો હતો
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નારી કેન્દ્રના સંચાલક વૈશાલીબેન ચરોતરિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મૂળ દાહોદથી આવેલા રસુલ મંડોળીયા, તેમની પત્ની અને સગીર દીકરી સાથે રોજગારી માટે વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં સ્થાયી થયા હતા. હાલમાં તેમની 14 વર્ષીય દીકરી ગુમ થઈ ગઈ હતી અને ભારે શોધખોળના અંતે મળી આવી હતી. કિશોરીનું કહેવું હતું કે તેને પોતાના મારા માતા પિતા સાથે રહેવું નથી. બિચારા મા-બાપ તો આ સાંભળીને હતપ્રભ બની ગયાં હતા. જે દીકરી માટે પેટનો ખાડો પૂરવા દોડધામ કરતાં હતા તેને તો મા-બાપ સાથે જ રહેવું ન હતું. આ સ્થિતિમાં નિયમ મુજબ સગીરાને ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.
નારી કેન્દ્રની રૂટિન પ્રોસિજર મુજબ સગીરાને મેડિકલ ચેકઅપ માટે વૈશાલીબેન ચરોતરીયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તે દરમિયાન વૈશાલીબેન ચરોતરિયાની નજર ચૂકવી સગીરા ભાગી ગઈ હતી. સિવિલમાં તેની શોધખોળ આરંભી હતી પરંતુ કિશોરીનો ક્યાંય પત્તો ન લાગતા છેવટે તત્કાળ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કિશોરીની શોધ આરંભી છે.
સગીરા ખરેખર જાતે ભાગી કે કોઈ ભગાડી ગયું
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે આવેલી કિશોરી નારી કેન્દ્રના સંચાલકોની નજર ચૂકવીને ભાગી જતાં સંચાલકો અને પોલીસ બંને મુંઝવણમાં મુકાઈ ગયા છે, કેમકે પહેલાં કિશોરી ઘરેથી ભાગી ગઈ, જેમ-તેમ મળતાં માતા-પિતા સાથે રહેવાનો ઈન્કાર કરી દીધો માટે નારી ગૃહમાં ખસેડાઈ તો ત્યાં પણ રહેવાનું તેને માકફ ન આવ્યું ને સિવિલમાં લવાતા જ ભાગી છૂટી. સગીરા જાતે ભાગી રહી છે કે કોઈ તેને ભોળવી રહ્યું છે તે પ્રશ્ન પોલીસ માટે માથાનો દુ:ખાવો બન્યો છે. આટલી નાનીવયની કિશોરી જે રીતે વારંવાર ભાગી રહી છે તે જોતા ચોક્કસ તે કોઈ પ્રલોભનથી દોરાઈ રહી હોવાની આશંકા પોલીસને છે.
માતા-પિતા રોજગારી માટે દોડતા રહ્યા અને દીકરી હાથમાંથી નીકળી ગઈ!
દાહોદથી રોજગાર માટે અહીં આવીને વસેલા માતા-પિતા ગુજરાન ચલાવવા કામધંધાની દોડધામ કરતાં રહ્યાં અને તેમાં પોતાની 14 વર્ષની દીકરી શું કરે છે તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો. પેટનો ખાડો પૂરવાની મજબૂરી દીકરી સમજી જ ન શકી. જ્યારે માતા-પિતા સાથે જ રહેવાનો ઈન્કાર કરી દીધો ત્યારે ગરીબ મા-બાપના પગ તળેથી તો જમીન સરકી ગઈ હતી. સરકારને સોંપી પણ ત્યાંથી પણ દીકરી ભાગી જતાં હાલ બંને લાચાર બની ગયાં છે.