ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ઝઘડીયા GIDCમાં ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં (Company) રવિવારે નાઇટ્રિક એસિડની ટેન્ક નજીક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે વેળા ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપ લાઇન વડે પસાર થઇ રહ્યું હતું, ત્યારે અચાનક પાઈપ લાઈન લીકેજ થતાં નાઇટ્રિક એસિડ વછૂટવા સાથે અચાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. જેને લઇને કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. દોડધામ દરમિયાન ૩ કામદારોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
- ઝઘડીયા GIDCની કંપનીમાં નાઈટ્રિક એસિડ લીકેજથી બ્લાસ્ટ, ભાગદોડમાં 3 કામદારને ઈજા
- બ્લાસ્ટ થયેલી પાઈપલાઈનને રેતી-માટીથી કવર કરી દેવામાં આવી, સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો
- આસપાસના લોકોને શ્વાસની તકલીફ શરૂ થતાં ઉચાટ, ફાયર, પોલીસ, જીપીસીબી, સહિતના તંત્રો દોડ્યા
ઝગડીયા ફાયર સ્ટેશન ખાતે ઘટનાની જાણ થતા ૪ જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ સ્થળ પર પાઇપ લાઈન પર રેતી નાંખી, માટી-રેતીથી ઢાંકી દઈ સ્થિતિ કાબૂમાં લીધી લીધી હતી. ઘટનાને પગલે ઝગડીયા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી, GPCBની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠી હતી. લોકોએ ગેસથી બચવા મોઢે માસ્ક અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી.
ભરૂચ જિલ્લાની હેલ્થ એન્ડ સેફટીના અધિકારી સચિન ઓઝાએ જણાવ્યું હતું કે નાઇટ્રિક એસિડની પાઇપમાં લીકેજ થયા બાદ પાઇપ ફાટીને બ્લાસ્ટ થયો હતો. હાલ સ્થિતિ કાબુમાં છે, કોઈ જાનહાની થઇ નથી. ૩ કામદારોને ઇજા પહોંચી હતી જે દોડધામ દરમિયાન છે. જે પૈકી એક કામદારને ફ્રેક્ચર થતાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય ૨ને સામાન્ય ઇજા પહોંચી હતી, તેને પ્રાથમિક સારવાર બાદ આપી રજા આપી દીધી છે. હાલ સ્થિતિ કાબૂમાં છે. કંપનીને સ્થળ નોટિસ આપી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વસ્તુઓ યથાવત રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે GPCB દ્વારા સ્થળ તપાસ કરી એર મોનિટરીંગ થકી નમૂના લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.