ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રીલીફ ટોકીઝમાં એકાએક આગ (Fire) ફાટી નીકળતાં બનાવના પગલે ટોકીઝના કંપાઉન્ડમાં આવેલી તિબેટીયન માર્કેટના વેપારી લોકોમાં નાસભાગ મચી હતી. જૂના POPમાં ખુલ્લા વીજ વાયરના કારણે શોર્ટ સર્કિટ (Short Circuit) થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
- ભરૂચની બંધ પડેલી રીલીફ ટોકીઝમાં આગ લાગતાં તિબેટીયન વેપારીઓમાં નાસભાગ
- જૂના POPમાં ખુલ્લા વીજ વાયરના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી જૂની અને જાણીતી રીલીફ ટોકીઝમાં ગત રાત્રિના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી રીલીફ ટોકીઝમાં આગ લાગતાં કંપાઉન્ડમાં આવેલ તિબેટીયન માર્કેટના વેપારી લોકોમાં પણ ભારે નાસભાગ મચી હતી. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટોકીઝમાં ખુરશીઓ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જો કે, રીલીફ ટોકીઝની બાજુમાં જ ગરમ કપડાંનું માર્કેટ છે, જે જલદી આગ પકડી લે અને માર્કેટમાં આગ પહોંચે એ પહેલાં જ ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હાલ તો રીલીફ ટોકીઝમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ જૂના POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)માં ખુલ્લા વીજ વાયરના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી
ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાંથી વહન થતાં ખનીજ તેમજ બોડેલી તરફથી આવતા રેતી ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર આડેધડ અને બેફિકરાઈથી વાહન ચલાવતા હોય છે, ત્યારે ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માતની પણ ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત મોડી રાત્રે ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચેના માર્ગ પર બોડેલી તરફથી રેતી ભરી ઝઘડિયા તરફ આવતી એક હાઈવા ટ્રક રોંગ સાઇડ પર પલટી મારી ગઇ હતી. અકસ્માતને કારણે ઝઘડિયાથી રાજપારડી જતા સરદાર પ્રતિમા ધોરી માર્ગનો ટ્રાફિક ખોરવાયો હતો. રેતીની ટ્રકે પલટી મારી જતાં બંને તરફના રોડ પર રેતી વેરણછેરણ થઈ હતી અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. પલટી મારી ગયેલ ટ્રકના ચાલકને કોઈ મોટી જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે.